સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: રવિવાર, 9 જૂન 2024 (09:26 IST)

અયોધ્યામાં જ્યાં રામમંદિર બન્યું એ જ બેઠક પર ભાજપ કેમ હારી ગયો? - ગ્રાઉન્ડ રિપોર્ટ

ભગવામય અને રામમય થયેલી અયોધ્યામાં પહોળા, સુંદર રસ્તા શહેરમાં આપનું સ્વાગત કરે છે.
 
ભગવા રંગથી રંગાયેલી ઇમારતો, દીવાલો પર રામાયણનાં દૃશ્યો અને ઘણી જગ્યાએ ચાલતાં વિકાસકાર્યો.
 
અયોધ્યામાં પ્રવેશ કરતા જ સવાલ થાય છે કે શું રામમંદિરના નિર્માણનો દાવો કરનારો સત્તાધારી ભારતીય જનતા પક્ષ અહીંથી ક્યારેય હારી શકે?
 
આ સવાલનો જવાબ સ્થાનિક લોકો સાથે વાત કરવાથી મળી જાય છે.
 
લતા મંગેશકર ચોક પર વિશાળકાય વીણા રાખેલી છે. ચારે બાજુ લાઇટો છે. ટ્રાફિક પોલીસ વાહનો ચેક કરે છે. નજીકમાં જ એક પાર્કમાં શ્રદ્ધાળુ મહિલાઓ કપડાં સૂકવવા માટે નાખે છે.
 
અયોધ્યામાં ભાજપની હાર કેમ થઈ?
 
આસપાસના જિલ્લામાંથી આવેલા લોકોને હોટેલમાં રહેવું પોસાતું નથી. પરંતુ ખુલ્લામાં રોકાવા છતાં તેઓ ઘણા ખુશ છે કારણ કે તેમણે ભગવાન રામના દર્શન કરી લીધાં છે.
 
ચોકથી ફૈઝાબાદ તરફ જતો નવો બંધાયેલો રસ્તો પણ એકદમ સજાવેલો છે. પહોળા અને સ્વચ્છ ફૂટપાથ નવી લાઇટોથી પ્રકાશિત છે. વચ્ચે-વચ્ચે દીવાલો પર રામાયણનાં દૃશ્યો ચિતરવામાં આવ્યાં છે.
 
અહીં ચાની એક દુકાન પર બેઠા રિતિક સિંહ અયોધ્યામાં ભાજપની હારથી બહુ નિરાશ છે.
 
રિતિક કહે છે, "ભાજપની હારનું સાંભળીને દિલ કરે છે કે મરી જઈએ. પરંતુ પરિવારનો એકમાત્ર પુત્ર છું તેથી મરી પણ નથી શકાતું. પરંતુ બહુ અફસોસ છે. કોઈને કહી પણ નથી શકતા."
 
રિતિકની વાત પૂરા થઈ ત્યાં જ તેમની પાસે બેસેલા સત્યમ ત્રિપાઠી બોલી ઊઠ્યા, "કઈ વાતનું દુ:ખ? મને તો ખુશી છે. આ અયોધ્યાવાસીઓની ઉપેક્ષા કરવાનું પરિણામ છે."
 
સત્યમ ત્રિપાઠી કહે છે, "લોકોને હાંકી કાઢવામાં આવ્યા, દુકાનો તોડી નાખવામાં આવી. પરંતુ ન કોઈ વળતર અપાયું કે ન કોઈનું પુનઃવસવાટ કરવામાં આવ્યો. ભાજપના નેતાઓને ઘમંડ આવી ગયો હતો કે તેઓ ગમે તે કરી શકશે અને જનતા મૂંગી રહેશે."
 
સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે અહીં 2014થી સતત સાંસદ રહેલા ભાજપના લલ્લુ સિંહને લગભગ 40 હજાર મતના માર્જિનથી હરાવ્યા છે.
 
22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાના નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે આ કાર્યક્રમ ટીવી પર સતત દેખાડવામાં આવ્યો હતો. આખા દેશમાં જય શ્રી રામ લખેલી ધજાઓ લગાડવામાં આવી હતી.
 
બંધારણમાં બદલાવ પર નિવેદનથી ભાજપને નુકસાન થયું?
 
આ વિસ્તારની તમામ પાંચ લોકસભા બેઠકો પર કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં સત્તાધારી ભાજપનો પરાજય થયો છે.
 
અહીં સ્થાનિક લોકો સાથે વાત કરીને આ પરાજયનાં કેટલાંક કારણોને સમજી શકાય છે.
 
જેમ કે, મોટા ભાગના લોકો એવો દાવો કરે છે કે ફૈઝાબાદ (અયોધ્યા)માં ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહે મતદાન થાય તે પહેલાંથી જ પોતાને વિજેતા માની લીધા હતા. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને તેઓ મત માંગવા બહાર જ ન નીકળ્યા.
 
ભાજપને 400થી વધારે બેઠકો મળશે તો બંધારણમાં ફેરફારને લગતા તેમના નિવેદનના કારણે પછાત અને દલિત લોકોનું ઇન્ડિયા ગઠબંધનના પક્ષમાં ધ્રુવીકરણ થયું. દલિતો-પછાત જાતિના લોકોને લાગ્યું કે બંધારણ ખતરામાં છે.
 
સ્થાનિક લોકોનો એક મોટો વર્ગ પોતાના મુદ્દાની ઉપેક્ષા થઈ તેના કારણે પણ નારાજ છે.
 
અયોધ્યામાં હવે બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અહીં કારોબાર વધ્યો છે. ઘણા લોકોને નવાઈ લાગે છે કે આટલાં બધાં વિકાસકાર્યો થવા છતાં ભાજપ કેમ હારી ગયો.
 
લતા મંગેશકર ચોક પર શ્રદ્ધાળુઓના ફોટા ખેંચવાનું કામ કરતા સંદીપ યાદવ કહે છે કે, "આખો માહોલ ભગવામય હતો. ભાજપની જ વાતો ચાલતી હતી. વિશ્વાસ નથી આવતો કે ભાજપ હારી ગયો છે."
 
અયોધ્યામાં ભાજપની હાર, ફૈઝાબાદ, લોકસભા ચૂંટણી 2024,  બીબીસી ગુજરાતી
સંદીપ યાદવ કહે છે કે, "અગાઉ અમે બેરોજગાર હતા. પછી આ સરકાર આવી, અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થયું. હવે અમે ફોટો પાડવાનું કામ કરવા ઉપરાંત ટ્રાવેલ એજન્સી ચલાવીએ છીએ. આરામથી દર મહિને 50,000 રૂપિયા કમાઈ લઈએ છીએ. મારા જેવા ઘણા લોકો છે જેમને કામ મળ્યું છે. ચારે બાજુ વિકાસ જ વિકાસ છે. પરંતુ આટલું બધું કામ કરવા છતાં ભાજપ હારી ગયો છે."
 
સરકારનું કામ દેખાય છે, પરંતુ અહીંથી વિસ્થાપિત થયેલા લોકો નારાજ પણ છે.
 
એક હિંદુવાદી મહંત કરે છે, "મીડિયાએ અહીંના સ્થાનિક લોકોના મુદ્દાને સ્થાન આપ્યું હોત તો કદાચ તેના પર ચર્ચા થઈ હોત અને તેને ગંભીરતાથી લેવામાં આવ્યા હોત. પરંતુ ટીવી પર માત્ર એ દેખાડવામાં આવ્યું કે ભાજપ ભગવાન રામને લઈ આવ્યો છે. અયોધ્યાવાસીઓના કેટલાય પ્રશ્નો છે તેના પર ચર્ચા જ ન થઈ."
 
શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી અયોધ્યા દેશભરમાં હિંદુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
 
હવે અહીં અગાઉની સરખામણીમાં ઘણા વધારે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને અહીં વ્યવસ્થા સંભાળવી વહીવટીતંત્ર માટે બહુ મોટો પડકાર બની ગયો છે.
 
ભાજપના સમર્થક અને ભાજપને જ મત આપનારા એમ કે મિશ્રા કહે છે, "રામમંદિરના નિર્ણયથી અયોધ્યાવાસીઓ બહુ ખુશ હતા. બધાએ દીપક પ્રગટાવ્યા હતા. જ્યારે વિસ્તરણનું કામ શરૂ થયું ત્યારે પણ ઘણું સારું લાગ્યું હતું. પરંતુ પછી સરકારે મનમાની કરી, કોઈની વાત ન સાંભળી. લોકોની દુકાનો લઈ લીધી પરંતુ પૂરતા પ્રમાણમાં વળતર ન આપ્યું. લોકોને ઉપાડીને ફેંકી દીધા, તેમના માટે કોઈ પણ જાતની વ્યવસ્થા કર્યા વગર. તેના કારણે સ્થાનિક લોકોમાં બહુ આક્રોશ હતો. લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો તો કોઈએ ન સાંભળ્યું."
  
Ayodhya
અયોધ્યામાં ઠેરઠેર પોલીસ બેરિકેડથી લોકો પરેશાન છે
અયોધ્યામાં ભાજપની હાર, ફૈઝાબાદ, લોકસભા ચૂંટણી 2024,  બીબીસી ગુજરાતી
અયોધ્યામાં સુરક્ષા માટે દરેક જગ્યાએ પોલીસ બેરિકેડ ગોઠવવામાં આવ્યાં છે. શહેરમાં આવવા-જવા માટે પાસ પણ આપવામાં આવે છે. પરંતુ સ્થાનિક લોકોની ફરિયાદ છે કે આ બેરિકેડના કારણે તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
 
મિશ્રા કહે છે, "વીઆઈપી સાંજે સાત વાગ્યે આવવાના હોય છે, પરંતુ પોલીસ બપોરે 12 વાગ્યાથી બેરિકેડ લગાવી દે છે. અમે બાળકોને સ્કૂલે પણ નથી લઈ જઈ શકતા. સામે જ ઘર છે પરંતુ અમારે ચાર કિલોમીટર ફરીને જવું પડે છે."
 
"આ સમસ્યા અમે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને સંભળાવી તો તેમણે ધ્યાન ન આપ્યું. નેતાઓને લાગતું હતું કે અમારે જનતાની વચ્ચે જવાની જરૂર નથી, માત્ર વડાપ્રધાન મોદીના ચહેરાના આધારે જીતી જઈશું. અહીં અયોધ્યાવાસીઓને કોઈ પૂછવા વાળું નથી કે તેમનું જીવન કેવી રીતે ચાલે છે."
 
અયોધ્યામાં ભાજપની હાર, ફૈઝાબાદ, લોકસભા ચૂંટણી 2024,  બીબીસી ગુજરાતી
સરયૂ ઘાટને લતા મંગેશકર ચોકથી થઈને રામ મંદિરને જોડનારા રામ પથને હવે પહોળો કરી દેવાયો છે.
 
બંને તરફની દુકાનો ભગવા રંગમાં રંગવામાં આવી છે. અહીં આવી રહેલા શ્રદ્ધાળુઓ આરામથી રામ મંદિર સુધી આવી શકે છે. રસ્તાની એક બાજુએ ફૂટપાથ પણ બની ગઈ છે.
 
આ રસ્તો પહોળો કરવાના કારણે સેંકડો દુકાનોને તોડવી પડી. કેટલીક દુકાનો આખે આખી રસ્તો બનાવવામાં જતી રહી, તો કેટલીક દુકાનો અમુક ફૂટ જ બચી છે.
 
આ રસ્તા પર મોટા ભાગના દુકાનદારો પાસે જમીનના માલિકીહક ન હતા. અહીં મોટા ભાગની સંપત્તિ મંદિરો અને મહંતોના કબ્જામાં છે.
 
પરંતુ ઘણા પરિવારો અહીં પેઢીઓથી ભાડુઆત હતા, કેટલાક તો 70 વર્ષ કરતા વધુ સમયથી ભાડુઆત હતા. સમય વીતવાની સાથે કેટલાકનો જમીન પર કબ્જો થઈ ગયો હતો.
 
વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો મિલકત પર પોતાના માલિકહકના દસ્તાવેજ દેખાડી ન શક્યા. તેના કારણે મોટા ભાગનાને બજારભાવે વળતર ન મળ્યું.
 
આવા જ એક દુકાનદાર પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહે છે, "અમારી આખી દુકાન જતી રહી. વળતર પેટે માત્ર દોઢ લાખ રૂપિયા મળ્યા."
 
"નવી દુકાન ભાડે લીધી તો તેની ડિપોઝિટ જ વીસ લાખથી વધારે છે. એ દુકાન અમારી પાસે ત્રણ પેઢીઓથી હતી. હવે અમે રસ્તા પર આવી ગયા છીએ. અમે આજીવન ભાજપને ટેકો આપ્યો. એવું ક્યારેય વિચાર્યું ન હતું કે અયોધ્યામાં રામ આવશે તો અમારે જ જગ્યા છોડવી પડશે."
 
વિસ્તરણ કામમાં પોતાના ઘર અને દુકાનો ગુમાવનારા સેંકડો લોકોની આવી જ કહાણી છે.
 
સોશિયલ મીડિયા પર અયોધ્યાવાસીઓની ટીકા
અયોધ્યામાં ભાજપની હાર, ફૈઝાબાદ, લોકસભા ચૂંટણી 2024,  બીબીસી ગુજરાતી
અયોધ્યાનો એક મોટો હિસ્સો સરયૂ નદીના કિનારે વસેલો છે. અહીં દાયકાઓથી કૉલોની બની રહી છે. પાછલા કેટલાક મહિનાથી અહીં લોકોને તેમના ઘર સરયૂ નદીના પટ પર બનેલા હોવાની નોટિસ મળી રહી છે.
 
પોતાને નોટિસ મળી હોવાનો દાવો કરતા કેટલાક લોકો પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહે છે કે, "ગમે ત્યારે બુલડોઝર આવી જશે અને અમારા માથેથી છાપરું જતું રહેશે એવી બીક લાગે છે. અમને અહીંથી હટાવવાની વાત તો થઈ રહી છે, પરંતુ અમને ક્યાં વસાવવામાં આવશે તેના પર કોઈ ચર્ચા નથી."
 
ફૈઝાબાદ લોકસભા બેઠક હેઠળ પાંચ વિધાનસભા બેઠકો આવે છે. તેમાંથી ચાર બેઠક પર ભાજપનો પરાજય થયો છે અને અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના વિજેતા ઉમેદવારથી ચાર હજાર વધારે મત મેળવ્યા છે.
 
ફૈઝાબાદની બેઠક પર ભાજપની હાર પછી અયોધ્યાના લોકોને સોશિયલ મીડિયા પર હિંદુત્વવાદી લોકોની ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું છે. અહીંના લોકો આ પ્રકારના મેસેજથી દુખી છે.
 
રાજા શર્મા અહીં ભજનિક છે. રાજા કહે છે, "મેં શ્રી રામ, મોદી અને યોગીની મહિમા કરતા સેંકડો ભજન ગાયા છે. હવે ભાજપની હાર પછી લોકો અયોધ્યાવાસીઓ પર ટિપ્પણી કરી રહ્યા છે જે ખોટું છે. એવું ક્યારેય વિચાર્યું પણ ન હતું કે રામનું નામ લેનારા અયોધ્યાવાસીઓએ ગાળો સાંભળવી પડશે."
 
રાજા કહે છે, "અયોધ્યાના લોકોમાં ઉમેદવાર પ્રત્યે ભારે નારાજગી હોવા છતાં, આ વિધાનસભામાં ભાજપ જીત્યો છે. લોકોમાં આક્રોશ હતો, છતાં તેમણે ભાજપને મત આપ્યા. ભાજપની હાર માટે અહીંના લોકો નહીં પણ લલ્લુ સિંહ જવાબદાર છે, જે લોકો પાસે મત માગવા જ ન ગયા."
 
બીબીસીએ લલ્લુ સિંહનો પક્ષ જાણવા માટે તેમની સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો. તેમના નિવાસસ્થાને મળવા આવેલા મોટા ભાગના લોકો ઉદાસ છે. તેઓ કંઈ પણ બોલવાનો ઇનકાર કરે છે. લલ્લુ સિંહ પણ બીબીસીને ન મળ્યા.
 
ભાજપની હારને હિંદુત્વની રાજનીતિની હાર તરીકે રજુ કરવામાં આવી રહી છે.
 
હનુમાનગઢી મંદિર સાથે સંકળાયેલા હિંદુત્વવાદી સંત વરુણ મહારાજ કહે છે, "આ હિંદુત્વની રાજનીતિની હાર નથી. ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પણ હોય છે. અમારા સાંસદોના કેટલાક નિવેદનોના કારણે દલિતો અને પછાતવર્ગના લોકો અલગ થઈ ગયા. અયોધ્યાવાસીઓ વીઆઈપી કલ્ચર અને નિરંકુશ અધિકારીઓથી ત્રાસી ગયા હતા, આ નારાજગી જોવા મળી છે."
 
વરુણ મહારાજ કહે છે, "આજે અયોધ્યાવાસીઓ પર ટિપ્પણી કરવામાં આવી રહી છે. પરંતુ લોકો એ વાત ભૂલી જાય છે કે દેશમાં હિંદુત્વની લહેર અયોધ્યાથી જ ફેલાઈ હતી. અયોધ્યાએ જ ભાજપને સત્તા સુધી પહોંચાડ્યો છે. જે લોકો અયોધ્યાના લોકોને ગાળો આપે છે, તેઓ હકીકતમાં રામભક્તોને ગાળો આપી રહ્યા છે. જે અહીં જીત્યા છે, તે પણ અયોધ્યાવાસી જ છે."
 
હનુમાનગઢી મંદિર સાથે સંકળાયેલા દેવેશાચાર્યને ભાજપની હારથી આશ્ચર્ય નથી થયું.
 
ધાર્મિક આસ્થાનો વિષય
અયોધ્યામાં ભાજપની હાર, ફૈઝાબાદ, લોકસભા ચૂંટણી 2024,  બીબીસી ગુજરાતી
દેવેશાચાર્ય કહે છે, "હારથી કષ્ટ થયું છે. અફસોસ છે. પરંતુ આ આશ્ચર્યની વાત નથી. ચૂંટણી સ્થાનિક પ્રશ્નો પર થઈ, અયોધ્યાના લોકો વીઆઈપી કલ્ચરથી ત્રાસી ગયા છે. અમારા સાંસદે ન લોકોની વાત સાંભળી, ન તેઓ મત માગવા બહાર નીકળ્યા. માત્ર હિંદુત્વના નામે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાના આધારે ક્યાં સુધી જીતશો? લોકતંત્રમાં લોકોનો પણ અવાજ હોય છે જેને સાંભળવો જોઈએ."
 
વરિષ્ઠ પત્રકાર અને બે દાયકાથી ફૈઝાબાદમાં પત્રકારત્વ કરતા અરશદ અફઝલ ખાન પણ આવો જ મત ધરાવે છે.
 
ભાજપના પરાજયનું કારણ જણાવતા અરશદ ખાન કહે છે, "રામમંદિર ધાર્મિક શ્રદ્ધાનો વિષય છે અને અયોધ્યાની દરેક વ્યક્તિ રામમંદિરમાં શ્રદ્ધા ધરાવે છે. અહીંના બહારના લોકોને લાગતું હતું કે માત્ર રામમંદિરના નામ પર ભાજપ જીતી જશે. પરંતુ આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા હાવી રહ્યા છે."
 
અરશદ ખાન કહે છે, "અયોધ્યામાં ઘણો વિકાસ થયો. પરંતુ તે માત્ર રામમંદિરથી ત્રણ-ચાર કિલોમીટરના વિસ્તાર પૂરતો સિમિત રહ્યો. ફૈઝાબાદના ગામડાઓ સુધી વિકાસ નથી પહોંચ્યો. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી અહીં બધો ફોકસ રામમંદિર પર હતું."
 
"અધિકારીઓ અને સરકારનું બધું ધ્યાન રામમંદિરનું ઝડપથી નિર્માણ થાય અને ચૂંટણી પહેલાં ઉદ્ઘાટન થઈ જાય તેના પર હતું. તેના કારણે અયોધ્યાની બહાર, ગામડાના, લોકોના મુદ્દા ભૂલી જવાયા. લોકોના એક મોટા વર્ગને એવું લાગ્યું કે તેમની અવગણના કરવામાં આવી રહી છે અને એક નારાજગી પેદા થઈ. આ ભાજપની હારનું એક કારણ છે."
 
અયોધ્યામાં ભાજપની હાર, ફૈઝાબાદ, લોકસભા ચૂંટણી 2024,  બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન,બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા (ડાબે) સાથે અયોધ્યામાં વાતચીત કરી રહેલા યુવકો
ફૈઝાબાદ બેઠક પર પછાત વર્ગ અને દલિતોના મત દલિત ઉમેદવાર અવધેશ પ્રસાદને મળ્યા તે તેમની જીતનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે.
 
અરશદ ખાન કહે છે, "અખિલેશ યાદવનો પીડીએ નારો અહીં અસરકારક રહ્યો છે. બસપા સતત નબળી પડતી જાય છે, તેના મતદારો ઇન્ડિયા ગઠબંધનમાં શિફ્ટ થઈ ગયા. મતદાનમાં હિંદુત્વવાદી મતદારો ઉદાસીન રહ્યા, પરંતુ મુસ્લિમોએ સંગઠિત થઈને મતદાનમાં ઉત્સાહથી ભાગ લીધો. ઇન્ડિયા ગઠબંધનની જીતનું આ પણ એક મોટું કારણ છે."
 
ફૈઝાબાદથી ચૂંટણી જીતનારા અવધેશ પ્રસાદ મિલ્કીપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય છે. તેઓ નવ વખત ધારાસભ્ય અને સમાજવાદી પાર્ટીની સરકારમાં ઘણી વખત મંત્રી રહી ચૂક્યા છે.
 
79 વર્ષના અવધેશ પ્રસાદ કહે છે, "ભગવાન રામે દેખાડી દીધું કે તેમના આશીર્વાદ કોની સાથે છે. આ ભાજપના અહંકારની હાર છે. આ લોકો દાવો કરતા હતા કે અમે રામને લાવ્યા છીએ. તેઓ એ રામને લાવવાનો દાવો કરતા હતા જેઓ સદીઓથી અયોધ્યામાં છે."
 
પોતાની જીતથી અત્યંત ખુશ અવધેશ પ્રસાદ કહે છે, "મોદીજીએ અયોધ્યામાં ઘણા રોડ શો કર્યા હતા. મને લાગતું હતું કે મોદીજી અયોધ્યાથી ચૂંટણી લડશે. મારી સામે મોદીજી હોત તો તેઓ પણ હારી ગયા હોત, કારણ કે આ ચૂંટણી હું નહીં પરંતુ અયોધ્યાની જનતા લડી છે. જે જનતાએ ભાજપને હરાવ્યો છે, તે મોદીને પણ હરાવી દેત."
 
અયોધ્યા નજીક એક પાસી (અનુસૂચિત જાતિ) બહુમતી ધરાવતા ગામમાં યુવાનો ઘણા ખુશ છે.
 
પોતાનું નામ જાહેર ન કરતા એક યુવાન કહે છે, "આ અમારા સન્માનની ચૂંટણી હતી. અખિલેશે અમારી જાતિના અવધેશ પ્રસાદને ટિકિટ આપી. તેને જીતાડવા એ અમારી અસ્મિતા સાથે જોડાઈ ગયું."
 
"મારા જેવા સેંકડો દલિત યુવાનો સમાજવાદી પાર્ટીને જીતાડવા માટે દિવસ-રાત મહેનત કરતા હતા. અમે બંધારણ બદલવાની વાતો કરનારાઓને પાઠ ભણાવ્યો છે. હવે કોઈ બંધારણમાં ચેડા કરવાની હિંમત નહીં કરી શકે."