શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: ગુરુવાર, 30 મે 2024 (16:20 IST)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુમાં ધ્યાન કરવા માટે કેમ જઈ રહ્યા છે?

narendra modi in tamilnadu
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ચાલી રહેલા લોકસભાની ચૂંટણીનો પ્રચાર સમાપ્ત થયા પછી ત્રણ દિવસ કન્યાકુમારીમાં રહેશે. વડા પ્રધાનની ત્યાં શું યોજના છે? તેની શું અસર થશે?
 
લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે અને ચૂંટણી પ્રચારનો સમય 30 મેના રોજ પૂરો થઈ જશે. વડા પ્રધાન મોદી ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી કન્યાકુમારીના વિવેકાનંદ મંડપમમાં રહેશે.
 
વડા પ્રધાન પોતાનો ચૂંટણીપ્રચાર પૂરો કરીને ગુરુવારે બપોરે તિરુવનંતપુરમ હવાઈમથક પર પહોંચશે.
 
મોદી લગભગ ચાર વાગ્યે હેલિકૉપ્ટર થકી કન્યાકુમારીના સરકારી ગેસ્ટ હાઉસના હેલીપેડ પર ઊતરશે.
 
ત્યારબાદ મોદી એક ખાનગી બોટથી વિવેકાનંદ મેમોરિયલ હૉલ પહોંચશે. તેઓ ત્યાં વિવેકાનંદની મૂર્તિને શ્રદ્ધાંજલિ આપશે અને તે રાતે ત્યાં જ રોકાશે. મોદી બીજા દિવસે એટલે કે શુક્રવારે લગભગ દોઢ વાગ્યા આસપાસ વિવેકાનંદ મેમોરિયલ હૉલમાં ધ્યાન મંડપમની મુલાકાત લેશે.
 
કહેવામાં આવી રહ્યું છે કે મોદી ત્યાં રાત્રે 12 વાગ્યા સુધી વિવેકાનંદની મૂર્તિ સામે ધ્યાન કરશે.
 
બીજા દિવસ સવાર સુધી તેઓ નીચેના હૉમાં ધ્યાન કરશે.
 
મોદી ત્યાંથી 1 જૂનની બપોરે હેલીકૉપ્ટરથી તિરુવનંતપુરમ જશે અને ત્યાંથી સાંજે દિલ્હી પહોંચશે.
 
કન્યાકુમારી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. કારણ કે વડા પ્રધાન ત્રણ દિવસો માટે વિવેકાનંદ મંડપમમાં રહેશે. સુરક્ષા અભ્યાસ પણ ચાલી રહ્યો છે. વડા પ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાં મતદાન પહેલી જૂને થશે. આ સમયે મોદી કન્યાકુમારીનો પ્રવાસ કરી રહ્યા છે.
 
કૉંગ્રેસનો વિરોધ
આ વાતનો વિરોધ કરતા કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું કે ચૂંટણી આચાર સંહિતાના નિયમો પ્રમાણે આ પ્રકારના આયોજનની પરવાનગી ન મળવી જોઈએ.
 
તામિલનાડુ કૉંગ્રેસના અધ્યક્ષ સેલ્વાપેરુન્થાગઈએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું, "આ સ્પષ્ટ છે કે મતદાનના 48 કલાક પહેલાંના સાઇલન્સ પિરિયડ દરમિયાન મોદી આ કાર્યક્રમ થકી પ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે."
 
તેમણે કહ્યું કે આજે ચૂંટણીપંચને આ બાબતે એક પત્ર સોંપવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડશે તો અમે ન્યાયાલયનો દરવાજો ખખડાવીશું.
 
વડા પ્રધાન મોદીની શું યોજના છે?
વડા પ્રધાન મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરો થાય પછી એકાંતમાં જવાનું પસંદ કરે છે. મોદી 2019ની લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી ઉત્તરાખંડના કેદારનાથમાં પ્રાર્થના કરવા માટે ગયા હતા. તેમણે એક ગુફામાં ધ્યાન પણ કર્યું હતું.
 
2014ની લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયા પછી તેઓ મહારાષ્ટ્રના પ્રતાપગઢ કિલ્લામાં ગયા હતા.
 
વરિષ્ઠ પત્રકાર શ્યામ કહે છે કે મોદી આ પ્રકારનો કાર્યક્રમ કરીને ચૂંટણીના છેલ્લા તબક્કામાં વધારે અસર કરવા માગે છે.
 
"લોકસભા 2019ના ચૂંટણી પ્રચાર પછી તેઓ (મોદી) કેદારનાથ ગયા હતા. ત્યાર પછી 59 બેઠકો પર મતદાન થયું હતું. ભાજપે મોટા ભાગની બેઠકો પર જીત મેળવી હતી. આ વખતે છેલ્લા તબક્કામાં 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મોદી ઓછામાં ઓછી 30 બેઠકો જીતવા માગે છે. જોકે, ઉત્તર પ્રદેશની 13 બેઠકો સિવાયની બેઠકો પર તેમના માટે અનુકૂળ માહોલ નથી. તેમની વિવેકાનંદ મંડપમની યાત્રાથી પરિસ્થિતિ કેટલી બદલાશે."
 
શ્યામે ઉમેર્યું કે ઇન્ડિયા ગઠબંધન પણ પહેલી જૂને એક બેઠક કરશે. આમ, સમાચાર માત્ર આ કાર્યક્રમ વિશે જ નહીં, પરંતુ ઇન્ડિયા ગઠબંધનની બેઠક વિશે પણ આવશે.
 
વિવેકાનંદ મેમોરિયલનું શું મહત્ત્વ છે?
કન્યાકુમારીથી 490 મીટર દૂર સમુદ્રમાં એક વિશાળ પથ્થર પર વિવેકાનંદ મેમોરિયલ બનાવવામાં આવ્યું છે.
 
સ્વામી વિવેકાનંદ 1893માં વિશ્વ ધર્મ સમ્મેલનમાં ભાગ લેવા માટે અમેરિકા જતા પહેલાં ડિસેમ્બર 1892ના અંતમાં કન્યાકુમારી પહોંચ્યા હતા. વિવેકાનંદ કન્યાકુમારી દરિયાકાંઠેથી 490 મીટર દૂર તરીને એક વિશાળ પથ્થર પર પહોંચ્યા અને ત્રણ દિવસ ધ્યાનમાં બેઠા રહ્યા હતા. (માનવામાં આવે છે કે આ તારીખો 25,26,27 ડિસેમ્બરની હતી)
 
વિવેકાનંદના અનુયાયીઓનું માનવું છે કે આ ધ્યાન દરમિયાન તેમને (વિવેકાનંદને) જ્ઞાન મળ્યું.
 
વિવેકાનંદ મેમોરિયલ બનાવવાની યોજના 1962માં બનાવવામાં આવી હતી. તામિલાનાડુ સરકારે 1964માં આ યોજનાને મંજૂરી આપી હતી. આ મેમોરિયલ હૉલનું નિર્માણ કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે કર્યું હતું. આ આખો મંડપ કાળા પથ્થરો વડે બનાવવામાં આવ્યો છે. આ મેમોરિયલ હૉલના ત્રણ વિભાગ છે, જેમાં શ્રીપથ મંડપમ, સભા મંડપમ અને ધ્યાન મંડપમ સામેલ છે.
 
સ્વામી વિવેકાનંદની મૂર્તિ સભા મંડપમમાં છે. મંડપમમાં હિંદુ મંદિરોની કળાકૃતીઓવાળા 12 કાળા પથ્થરના સ્તંભો છે. આ મંડપના પૂર્વમાં શ્રીપદ શિલાની સામે સ્વામી વિવેકાનંદની એક મૂર્તિ છે. આ મેમોરિયલની જાળવણી વિવેકાનંદ કેન્દ્ર કરે છે.