રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2024 (14:31 IST)

Monsoon 2024: ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ખૂબ વધારે વરસાદ પડશે, રાજ્યમાં ચોમાસું ક્યારે પહોંચશે?

હવામાન વિભાગ પોતાનું ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં જણાવ્યું છે કે ભારતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. આ પહેલાં હવામાન વિભાગે કહ્યું હતું કે ભારતમાં સરેરાશ ચાર મહિનામાં 106 ટકા જેટલો વરસાદ થશે. જે પૂર્વાનુમાનને તેમણે કાયમ રાખ્યું છે.
 
92થી 104 ટકા સુધીનો વરસાદ સામાન્ય વરસાદ ગણાય છે, એટલે 106 ટકાનો અર્થ એ છે કે દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના વડા મૃત્યુજંય મોહાપાત્રાએ ભારતમાં આગામી ચોમાસામાં કેવો વરસાદ રહેશે તે અંગેનું પૂર્વાનુમાન રજૂ કર્યું હતું.
 
ભારતમાં હવે માત્ર થોડા દિવસોમાં જ ચોમાસું શરૂ થઈ રહ્યું છે, હાલ ચોમાસું અરબી સમુદ્ર સુધી પહોંચી ગયું છે અને લગભગ પાંચેક દિવસમાં કેરળ પર પહોંચે તેવી સંભાવના છે. મોહાપાત્રાના કહેવા પ્રમાણે તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની ચોમાસાની પ્રગતિ પર કોઈ અસર થશે નહીં અને ચોમાસું પ્રગતિ કરે તે માટે અનુકૂળ પરિસ્થિતિ બનેલી છે.
 
જેથી આ વર્ષે ચોમાસાની શરૂઆત સમય પ્રમાણે જ થાય તેવી શક્યતા છે, જો ચોમાસાની પ્રગતિ પર અસર કરતાં પરિબળોમાં ફેરફાર ના થાય તો ગુજરાત સહિત દેશના ઘણા વિસ્તારોમાં ચોમાસું સમયસર પહોંચી શકે છે.
 
ભારતનાં કયા રાજ્યોમાં વધારે વરસાદ થશે?
 
ભારતના હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જારી કર્યું છે તે પ્રમાણે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે, એટલે તે મધ્ય અને દક્ષિણ ભારતમાં 106 ટકા કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે.
 
ઉત્તર ભારતનાં રાજ્યોમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ ચાર મહિનામાં સામાન્ય વરસાદ થશે એટલે કે સારો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પૂર્વોત્તરનાં રાજ્યોમાં આ વર્ષે સરેરાશ કરતાં થોડો ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ પ્રશાંત મહાસાગરમાં ન્યૂટ્રલ સ્થિતિ બની છે અને અલ નીનોની સ્થિતિ નબળી પડી ગઈ છે. જૂન-જુલાઈ મહિના સુધીમાં લા નીનાની પરિસ્થિતિ સર્જાઈ જશે. જેથી ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થવાની શક્યતા છે.
 
આ વર્ષે અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં ચોમાસું જલદી આગળ વધ્યું છે, તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વડા મોહાપાત્રાએ કહ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં ચોમાસું જલદી આગળ વધ્યું છે.
 
ઉપરાંત મોહાપાત્રાએ કહ્યું કે આ વર્ષે ચોમાસાના છેલ્લા બે મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા છે, પરંતુ તેના વિશે એકદમ ચોક્કસ આગાહી કરવી હાલ અઘરી છે.
 
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે?
 
હવામાન વિભાગના ચોમાસાના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે. મધ્ય ભારતમાં આ વર્ષે 106 ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ, આ રાજ્યો મધ્ય ભારતમાં આવે છે.
 
જેનો અર્થ એ છે કે ગુજરાતમાં આ વર્ષે 106 ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જારી કરેલા નક્શા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે.
 
જૂન મહિનાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય અને સરેરાશ કરતાં ઓછા વરસાદની શક્યતા છે, પરંતુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ 15 જૂનની આસપાસ થતી હોય છે. જેથી આ મહિનામાં સામાન્ય રીતે ચોમાસાના બાકીના ત્રણ મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે. મોહાપાત્રાના કહેવા પ્રમાણે લા-નીના ચોમાસાના બીજા ભાગમાં બનતું હોવાને કારણે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં જૂન મહિનામાં પણ ગરમી ચાલુ રહેવાની શક્યતા છે અને સરેરાશ કરતાં વધારે ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે.
 
વાવાઝોડાની ચોમાસા પર અસર થશે?
તાજેતરમાં જ બંગાળની ખાડી પર વાવાઝોડું સર્જાયું હતું, આ રીમાલ નામનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર 26 મેની રાત્રે ત્રાટક્યું હતું.
 
મોહાપાત્રાએ જણાવ્યું, "વાવાઝોડું એ થોડા સમય માટે બનતી ઘટના છે જેથી તેની લાંબા સમય માટે અસર રહેતી નથી. આ વાવાઝોડું 24 મેના રોજ સર્જાયું હતું અને 27 સુધીમાં તો તે દરિયાકાંઠે આવી ગયું હતું. માત્ર 3 દિવસ સુધી જ તે દરિયામાં રહ્યું હતું."
 
"જેના કારણે તેની અસર હાલના ચોમાસાની પ્રગતિ પર થાય તેવી શક્યતા દેખાતી નથી. આ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ચોમાસું જલદી આગળ વધી ગયું છે." સરળ રીતે સમજીએ તો આ વાવાઝોડાની ચોમાાસની પ્રગતિ પર કોઈ અસર થવાની શક્યતા નથી.
 
હવામાન વિભાગ પ્રમાણે હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ભારત અને મધ્ય ભારતમાં આ વર્ષે ચોમાસું સમયસર જ પહોંચે તેવી શક્યતા છે.