ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2024 (09:57 IST)

રાજકોટ આગ દુર્ઘટના: 'બહેનને સાંત્વના આપું છું કે એનો દીકરો ક્યાંક ભાગી ગયો છે'

rajkot fire
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત રાજકોટને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનાનો સત્તાવાર મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે.
 
જોકે હજુ પણ મૃત્યુઆંક વધે તેવું સ્થાનિક લોકોનું અનુમાન છે.
 
ગુજરાતના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, હજુ પણ કેટલાક લોકો તેમના સ્વજનોને શોધી રહ્યા છે, કેટલાક લોકો ડીએનએ ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
 
આગ એટલી વિકરાળ હતી કે મૃતકોની ઓળખ પણ થઈ શકતી નથી અને એટલે સ્વજનોના ડીએનએ ટેસ્ટ કરાવાઈ રહ્યા છે.
 
હૉસ્પિટલ પર લોકોની ભીડ ઊમટી રહી છે અને ક્યાંક પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના સમાચાર પણ મળી રહ્યા છે.
 
મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકોનું હોવાનું જણાતા સ્થાનિકોનો રોષ પણ ચરમસીમાએ છે.
 
બીબીસીએ રાજકોટ પહોંચીને કેટલાક લોકો સાથે વાત કરી હતી, જેમના સ્વજનો આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
 
'અમે બહેનને આશ્વાસન સિવાય કશું આપી શકતા નથી'
 
રાજકોટના અરુણભાઈનું કહેવું છે કે તેમનો ભાણેજ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો હતો અને તેની શોધખોળ ચાલી રહી છે.
 
અરુણભાઈએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરી હતી.
 
અરુણભાઈએ કહ્યું કે "મારો ભાણેજ ત્યાં નોકરી કરતો હતો. અમને છ વાગ્યે ખબર પડી કે રાજકોટમાં આવી દુર્ઘટના થઈ છે. પછી આખો પરિવાર ત્યાં ગયો હતો. પણ ત્યાં અંદર જવાની મંજૂરી નહોતી. પછી અમને કહેવામાં આવ્યું કે સિવિલમાં જાવ અને અમે સિવિલ ગયા."
 
અરુણભાઈએ કહ્યું કે અમારા પરિવારના ડીએનએ સૅમ્પલ પણ લીધાં છે અને હજુ તેઓ રિપોર્ટની રાહ જુએ છે.
 
અરુણભાઈનો ભાણો ગુમ હોવાથી તેમના પરિવારની હાલત પણ નાજુક છે.
 
તેઓ બીબીસીને જણાવે છે, "અમારી બહેનને અમે એવું કહ્યું છે કે એ (ભાણો) ત્યાંથી નીકળીને ભાગી ગયો છે અને પોલીસની બીકને લીધે તેણે મોબાઇલ બંધ કરેલો છે. એટલે આપણે તેની તપાસ કરીએ છીએ."
 
તેઓ કહે છે, "એને (બહેન) અમે આશ્વાસન સિવાય કશું આપી શકતા નથી."
 
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં રાજકોટના ચંદ્રસિંહ જાડેજાએ કહ્યું કે તેમના પરિવારના સાતમાંથી પાંચ સભ્યો ગુમ છે. બે સભ્યોને હાલ સારું છે