રાજ્યની શાળાઓમાં આગામી 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન

school o of gujarat
Last Modified બુધવાર, 16 ઑક્ટોબર 2019 (12:56 IST)

રાજ્યની શાળાઓમાં આગામી 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. 14 નવેમ્બરથી રાબેતા મુજબ શાળાઓ ધમધમતી થશે. શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરાયેલા શૈક્ષણિક વર્ષના કેલેન્ડર પ્રમાણે જ નિયત કરાયેલી તારીખે જ દિવાળી વેકેશન જાહેર કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. દર વર્ષે શૈક્ષણિક સત્રની શરુઆતમાં જ શિક્ષણ વિભાગ તરફથી શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવે છે. તેમાં વર્ષ દરમિયાન પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 104 કાર્ય દિવસ નક્કી કરાયા છે. જ્યારે દ્વિતીય સત્ર કાર્યદિવસ 142 એટલે કે વર્ષના કુલ 246 કાર્ય દિવસ નક્કી કરવામાં આવ્યા છે. વર્ષમાં બે વાર વેકેશન જાહેર કરવાનું આયોજન કરાયું છે. જે મુજબ દિવાળી વેકેશન 21 દિવસનું અને ઉનાળું વેકેશન 35 દિવસનું હોય છે. આ ઉપરાંત 18 દિવસની જાહેર રજા અને 6 સ્થાનિક રાજ મળીને કુલ 80 દિવસની રજાઓ જાહેર કરાઈ છે. વેકેશન ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા અને પ્રથમ, દ્વિતીય અને બોર્ડની બરીક્ષાની તારીખો પણ બોર્ડ દ્વારા કેલેન્ડર વર્ષમાં નક્કી કરાય છે. પરંતુ ઘણીવાર પ્રાથમિક શાળાઓ દ્વારા વેકેશનમાં તારીખો બદલવામાં આવતી હોવાનું ધ્યાને આવતા શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને નિયત કરાયેલી તારીખ પ્રમાણે જ વેકેશન જાહેર કરવા અને તેનો કડક અમલ કરવા આદેશ કર્યો છે. જે પ્રમાણે રાજ્યની શાળાઓમાં આગામી 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની વેકેશનની તારીખ એક સરખી રહે તે હેતુથી પરિપત્ર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કરાયો છે. તેમજ આ પરિપત્રની જાણ સરકારી અધ્યાપન મંદિરો, ગ્રાન્ટેડ શાળાઓ, બાળ મંદિર, સ્વનિર્ભર પીટીસી કોલેજો સહિત તમામ શાળાઓને જાણ કરાઈ છે. મહત્વનું છે કે ગુજરાતના સૌથી મોટા ગરબા મહોત્સવ નવરાત્રીમાં 9 દિવસ વેકેશન જાહેર કરાયું હતું. જેને લઈને શાળાઓને તેની અમલવારી કરવામાં તેમજ અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ મામલે મોટો વિવાદ સર્જાયો હતો. એકતરફ વેકેશન જાહેર થતા ખેલૈયાઓ ખુશ થયા હતા પરંતુ અભ્યાસક્રમ સાથે સંકળાયેલા શાળાના સંચાલકો નારાજ થયા હતા. બાદમાં નવરાત્રીના 9 દિવસના વેકેશનને પગલે દિવાળી વેકેશન 21 દિવસની જગ્યાએ 14 દિવસનું કરી દેવાયું હતું. આ વર્ષે પણ પહેલા શૈક્ષણિક સત્રના પ્રારંભે જાહેર કરાયેલા કેલેન્ડરમાં નવરાત્રી વેકેશન જાહેર કરાયું હતું પરંતુ વિવાદ બાદ રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં નવરાત્રી વેકશન રદ કરવામાં આવ્યું હતું.આ પણ વાંચો :