સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (17:45 IST)

અમદાવાદમાં કંગના રાણાઉતના પૂતળા દહનનો કાર્યક્રમ જાહેર કરનાર 3 આશ્રમવાસીઓને પોલીસે નજરકેદ કર્યા

બોલિવૂડની અભિનેત્રી કંગના રાણાઉતના આઝાદી અંગેના નિવેદન અંગે સમગ્ર દેશમાં અનેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ગાંધી પ્રેમી અને ગાંધી આશ્રમ સામે રહેતા આશ્રમ વાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આજે આશ્રમવાસીઓએ કંગનાના પૂતળાના દહનનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ પોલીસે કાર્યક્રમ અગાઉ 3 આશ્રમવાસીઓને નજર કેદ કરી લીધા છે. 
 
ગાંધી આશ્રમ સામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
કંગનાના વિવાદિત નિવેદનને લઈને ગાંધીજીના અનુયાયીઓએ વિરોધ કર્યો છે. અમદાવાદમાં પણ ગાંધી આશ્રમ સામેના આશ્રમવાસીઓએ અગાઉ કંગના વિરોધમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે અરજી કરી હતી. આજે કંગનાના પૂતળા દહનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કંગાનાના પૂતળા દહનના કાર્યક્રમ અંગે અગાઉથી જાહેરાત કરી હોવાથી પોલીસ કાર્યક્રમ અગાઉ જ કાર્યક્રમ યોજનાર આશ્રમવાસી ધિમંત બઢીયાના ઘરે પહોંચી હતી. જ્યાં ધિમંત બઢીયા, શૈલેષ રાઠોડ અને હેમંત ચૌહાણને નજર કેદ રાખવામાં આવ્યા હતા. અત્યારે પણ ગાંધી આશ્રમ સામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 
ભારતની આઝાદી તથા શહીદો વિષે વિવાદાસ્પ્દ નિવેદન   
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે કંગના રાણાવત અને ખાનગી ચેનલના પત્રકાર વિરુદ્ધમાં અરજી થતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
 
ભારતની આઝાદી તથા શહીદો વિષે વિવાદાસ્પ્દ નિવેદન   
આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, ગત 10 તારીખના સાંજના સાત વાગ્યે ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં કંગના હાજર હતી. જેમાં કંગનાએ ભારતની આઝાદી તથા શહીદો વિષે જણાવ્યું હતુ કે, "1947માં જે આઝાદી મળી છે તે તો ભીખ છે અને સાચી આઝાદી તો 2014માં મળી છે". આવા શબ્દોનું સમર્થન પત્રકારે પણ કર્યું હતુ અને પોતાની ચેનલના માધ્યમથી આખા દેશમાં તેનું પ્રસિદ્ધિકરણ કર્યું હતુ. 
 
 
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ 
લોકો વચ્ચે દ્રેષભાવ ઉભો કરી અને આઝાદી માટે બલિદાન આપેલા તેવા શૂરવીર, દેશપ્રેમી સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન અને અનાદર કર્યું છે. જેના પગલે પ્રણવ ઠક્કર અને તેમના ક્રાયકર્તાઓ દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કંગના રાણાવત અને પત્રકાર વિરુદ્ધમાં ઈરાદાપૂર્વક અપમાન કરવું, તોફાનો થાય તે રીતના નિવેદન આપવા અને રાજદ્રોહ ની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ કરવાની વિનંતી કરી છે. આ અંગે નવરંગપુરા પોલીસે જણાવ્યું હતું કે, એક અરજી આપી છે જેમાં અભીનેત્રી અને એક પત્રકાર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પોલિસે સ્વીકારી છે અને તપાસ હાથ ધરી છે.