બે દિવસ બાદ આજથી ફરી શરૂ થશે કોરોના રસીનું વેક્સીનેશન
ગત શનિવારે દેશભર સહિત રાજ્યમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેરમાં શનિવારે 1115 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને કોરોનાની રસી આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ 'કોવીન' સોફ્ટવેરમાં ખામી સર્જાતા બે દિવસ માટે રસીકરણની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. ત્યારે ફરીથી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે રસી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોવીન સોફ્ટવેરમાં પ્રથમ દિવસે 20 કેન્દ્રોની માહિતી ફીડ કરવામાં આવતાં હેંગ થઇ જતું હતું. પરંતુ હવે આ ટેક્નિકલ ખામીને દૂર કરી દેવામાં આવી હોવાનું હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ, ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફના 55,815 સભ્યોની નોંધણી કરવામાં આવી છે જ્યારે વેક્સીનના 60 હજાર ડોઝ આપવામાં આવ્યા જેની કામગરી આજથી શરૂ થશે. હાલમાં કોરોનાની રસીની કામગીરી ચાલી રહી હોવાથી પોલીયો રસીકરણની કામગીરીને 14 દિવસ ઠેલવામાં આવ્યું છે.
અમદાવાદમાં 20 કેન્દ્રો પર પહેલે દિવસે પ્રત્યેક કેન્દ્ર ઉપરથી 100 ને વેકિસન આપવાનો લક્ષ્યાંક નક્કી થયો હતો, જે પ્રમાણે 2000 થાય, જેની સામે 1115 ને વેકિસન આપી શકાઇ હતી. આ પૈકી પાંચ જેટલાને રિએકશનના હળવા લક્ષણો દેખાયા હતા.