બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 28 એપ્રિલ 2020 (14:02 IST)

રેડ ઝોન સંપૂર્ણ સલામત નહી થાય ત્યાં સુધી લોક ડાઉન હટાવાશે નહીં : મુખ્યપ્રધાન રૂપાણી

આગામી ત્રીજી મેએ ગુજરાતમાંથી ગ્રીન ઝોનમાં એટલે કે જ્યાં કોરોના વાઈરસના ચેપના એક પણ કેસ છેલ્લા 14 દિવસમાં ન બહાર આવ્યા હોય તેવા વિસ્તારમાં દરેક આર્થિક પ્રવૃત્તિ શરૂ કરી દેવાની છૂટ આપવામાં આવશે. ગુજરાત સરકાર તબક્કાવાર લૉકડાઉન હળવું કરવાની તેની અત્યારની નીતિને વળગી રહેવા માગે છે તેવી સ્પષ્ટ રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વિડીયો કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે.
લૉકડાઉન એકાએક ઊઠાવી લેવાય તો તેવા સંજોગોમાં કોરોના વાઈરસનો ચેપ અત્યાર સુધી ન ફેલાયો હોય તેવા વિસ્તારમાં પણ ફેલાઈ જવાનો ખતરો હોવાથી તબક્કાવાર જ તે ઊઠાવવામાં આવશે. રેડ ઝોન સંપૂર્ણ સલામત નહી થાય ત્યાં સુધી લોક ડાઉન હટાવાશે નહીં  એમ વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે લૉકડાઉનમાં લોકોને દવા અને શાકભાજી તથા અનાજ કરિયાણાની તકલીફ ન પડે તેની પહેલા દિવસથી જ કાળજી લેવાઈ છે. એક્સપોર્ટના ઓર્ડર ધરાવતા ઉદ્યોગોને પણ ધીમે ધીમે તમના એકમો ચાલુ કરવાની અનુમતી આપવામાં આવી છે.
રૂપાણીએ કરેલી રજૂઆત અંગે વાતચીત કરતાં તેમના સેક્રેટરી અશ્વિન કુમારે જણાવ્યું હતું કે ગુજરાતના ચાર મહાનગરો સિવાયના વિસ્તારમાં તબક્કાવાર છૂટક દુકાનો ચાલુ કરવાની પણ છૂટ આપવામાં આવી જ છે. પરંતુ ત્રીજી મે પછી રેડઝોનમાં આવેલા ગુજરાતના વિસ્તારોમાંથી એક ઝાટકે લૉકડાઉન ઊઠી જવાની સંભાવના બહુ જ ઓછી છે.  
ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા ઊંચી હોવા અંગે સ્પષ્ટતા કરતાં રૂપાણીએ જણાવ્યું હતુ કે તેમને કોરોનાના ચેપની સાથે ડાયાબિટીશ, હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશર, કીડની, હાર્ટ અને લીવરની બીમારી હોય તેવા દર્દીઓના વધુ મૃત્યુ થયા છે. તદુપરાંત ગુજરાત સરકારે કોરોના વાઈરસનો કહેર વધતો અટકાવવા માટે ગુજરાત સરકારે સઘન ટેસ્ટિંગ કર્યું હોવાનું તથા દરેક મોટા શહેરોમાં સર્વેક્ષણ કરીને કોરોનાના દરદીઓને શોધી કાઢવાની કામગીરી કરી હોવાની જાણકારી પણ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી હતી.