રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2023 (22:58 IST)

7 મહિના પછી ફરીથી ટીમ ઈન્ડિયા પાસે ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની તક, 20 દેશ લેશે ભાગ

team india
વનડે વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર રહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રવિવારે ખૂબ જ નિરાશ દેખાયા હતા. ભારતની હાર કોઈપણ ફેન્સ માટે દિલ તોડનારી હતી. સમગ્ર લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાલત જોઈને બધા દંગ રહી ગયા હતા. ભારત માટે વર્લ્ડ કપ જીતવાનું સપનું 12 વર્ષ પછી પણ અધૂરું છે અને હવે ફેન્સ આગામી વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે. જ્યાં તેઓ તેમના મનપસંદ સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્માને એકસાથે ટ્રોફી ઉઠાવતા જોવા માંગે છે. ઉલ્લેખનિય છે કે ટીમ ઈન્ડિયાનું આ અધૂરું સપનું આવનારા 7 મહિનામાં જ પૂરું થઈ શકે છે.
 
7 મહિના પછી બીજો મોકો  
 
ભારતીય ટીમને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાની તક મળી રહી છે. ICC T20 વર્લ્ડ કપનું આયોજન 7 મહિના પછી એટલે કે જૂન 2024માં થશે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયા પણ ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ કુલ 20 ટીમો વચ્ચે રમાશે. જ્યાં ફેન્સ ઘણી હાઈ વોલ્ટેજ મેચોની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, ICC દ્વારા હજુ સુધી આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી.
 
શું રોહિત અને વિરાટ T20 ટીમનો ભાગ હશે?
 
ટી20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ ટી20 ટીમનો ભાગ નથી. તેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી T20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે વનડે વર્લ્ડ કપની તૈયારીઓને લઈને આવો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે ભારતીય ટીમને નવી દિશા આપવા માટે આ ખેલાડીઓને પડતો મૂકવામાં આવ્યો છે. 
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં, સૌથી મોટો સવાલ એ છે કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારત માટે ટી-20 ફોર્મેટમાં ફરી રમતા જોવા મળશે કે નહીં.
 
વર્લ્ડ કપ ફાઈનલ જીતવાનું સપનું રહી ગયું અધૂરું 
 
વનડે  વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાન પર રડતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ચાહકો ઈચ્છે છે કે બંને એકસાથે આઈસીસીનો ખિતાબ જીતે. મેચની વાત કરીએ તો આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ માત્ર 43 ઓવરમાં આ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાનું આ છઠ્ઠું વર્લ્ડ કપ ટાઇટલ છે.