બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 16 સપ્ટેમ્બર 2023 (00:56 IST)

બાંગ્લાદેશે રોક્યો ટીમ ઈન્ડિયાનો વિજય રથ, આ રીતે હાથમાંથી ગઈ રોમાંચક મેચ

India vs Bangladesh
IND vs BAN: ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપ 2023ની છેલ્લી સુપર 4 મેચમાં બાંગ્લાદેશ સામે 6 રને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે ટીમ ઈન્ડિયાને 266 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 259 રન જ બનાવી શકી હતી. જો કે આ મેચની હારથી કોઈ ફરક નહીં પડે અને ટીમ ઈન્ડિયાએ 17મીએ શ્રીલંકા સામેની ફાઈનલ મેચ પહેલા જ બુક કરી લીધી છે.

 
ગિલની સદી એળે ગઈ
બાંગ્લાદેશ સામે ઓપનિંગ કરવા આવેલો કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તિલક વર્મા અને ઈશાન કિશન માત્ર 5 રન અને કેએલ રાહુલ માત્ર 19 રન બનાવી શક્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 26 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ મેચ શુભમન ગિલની 121 રનની જોરદાર ઈનિંગ માટે યાદ રહેશે. ગિલે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સિવાય અક્ષર પટેલે પણ અંત સુધી લડત ચાલુ રાખી હતી પરંતુ તે 34 બોલમાં 42 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
 
બાંગ્લાદેશે 265 રન બનાવ્યા હતા
આ પહેલા બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 265 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન શાકિબ અલ હસને સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. જ્યારે તૌહીદ હૃદયે 54 રન અને નસુમ અહેમદે 44 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.

 
ફાઇનલમાં શ્રીલંકાનો સાથે થશે મુકાબલો
જો કે આ મેચની ટીમ ઈન્ડિયાના અંતિમ ક્વોલિફિકેશન પર કોઈ અસર નહીં પડે. ટીમ ઈન્ડિયા એશિયા કપની ફાઈનલ મેચમાં પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમે તેની પ્રથમ સુપર 4 મેચમાં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. જે બાદ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. હવે ભારતીય ટીમનો મુકાબલો 17મીએ એટલે કે રવિવારે શ્રીલંકા સામે થવાની છે.