Women's Cricket World Cup - વુમન્સ વર્લ્ડકપ માટે ભારત નહી આવે પાકિસ્તાની ટીમ, જાણો ક્યા રમાશે ભારત-પાકિસ્તાનની મેચ
મહિલા ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાની તમામ મૅચો ભારતની જગ્યાએ હવે શ્રીલંકામાં આયોજીત થશે. ભારતે આ વર્ષની શરૂઆતમાં પુરુષોની ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કર્યો હતો. આઈસીસીએ બંને દેશોની આ મૅચ માટે 'ન્યૂટ્રલ વેન્યૂ'ની શરૂઆત કરી હતી. સ્તાનના ગૃહમંત્રીએ એપ્રિલમાં કહ્યું હતું કે પાકિસ્તાનની મહિલા ટીમ ભારત નહીં જાય. હવે ભારતે વ્યવસ્થા કરવાની છે કે પાકિસ્તાનની મૅચો ક્યાં રમાડવામાં આવે.
આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમો ભાગ લેશે, જેમાં યજમાન ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે, જેણે ૨૦૨૨ માં ન્યુઝીલેન્ડમાં યોજાયેલા મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨ ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી ટાઇટલ જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ પણ છે, જે સાત વખત ચેમ્પિયન બની છે.
પાકિસ્તાનની મેચોનું સ્થળ
ભારતમાં આ ટુર્નામેન્ટની મેચો બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ગુવાહાટીના એસીએ સ્ટેડિયમ, ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ અને વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાશે. જોકે, રાજકીય સંબંધોને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. પાકિસ્તાનની ટીમ તેની તમામ વર્લ્ડ કપ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમશે.
ભારતની પ્રથમ મેચ અને ટુર્નામેન્ટ ફોર્મેટ
ભારત તેની પહેલી મેચ ૩૦ સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિન ધોરણે રમાશે, જેમાં કુલ ૨૮ લીગ સ્ટેજ મેચો હશે. ત્યારબાદ, ૨ સેમિફાઇનલ અને એક ફાઇનલ રમાશે.
સેમિફાઇનલ અને ફાઇનલ
જો પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચે છે, તો તેમની મેચ પણ કોલંબોમાં જ રમાશે. આ જ કારણ છે કે પહેલી સેમિફાઇનલ ૨૯ ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ બીજા દિવસે ૩૦ ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે. આ પછી, બંને ફાઇનલિસ્ટ પાસે ટાઇટલની નિર્ણાયક મેચની તૈયારી માટે ઓછામાં ઓછા બે દિવસનો સમય હશે. મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ ની ફાઇનલ ૨ નવેમ્બર, રવિવારના રોજ બેંગલુરુ અથવા કોલંબોમાં યોજાશે.