મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 જાન્યુઆરી 2020 (09:50 IST)

INDvsAUS : ભારતે ઑસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી સીરિઝ પર કબજો કર્યો, વિરાટ કોહલી અને રોહિત શર્માએ કર્યો આ રેકર્ડ

બેંગ્લુરુ ખાતે યોજાયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝની ત્રીજી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી સીરિઝ પર કબજો કર્યો છે. ઑસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરતાં 50 ઓવરમાં 286 રન 9 વિકેટે બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે રોહિત શર્મા(119) અને વિરાટ કોહલી(89)ની 137 રનની પાર્ટનરશિપની મદદથી સ્કોર ચેઝ કરી લીધો હતો.
 
ભારતની શરૂઆત સારી રહી હતી. લોકેશ રાહુલ રોહિત શર્માને સાથે આપીને 12મી ઓવરમાં 19 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ બાજી સંભાળી હતી. તેમણે 137 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા પોતાના વન-ડે કરિયરની 29મી સદી નોંધાવીને આઉટ થયા હતા. રોહિત શર્માના આઉટ થયા પછી શ્રેયસ ઐયરે વિરાટ કોહલીને સાથ આપ્યો હતો.
 
વિરાટ કોહલી 89 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ શ્રેયસ ઐયરે(44*) અને મનિષ પાંડે(8*) રન બનાવીને ટીમને જીત અપાવી હતી. ઑસ્ટ્રેલિયાના બૉલર હેઝલવુડ, એડમ ઝામ્પા અને ઍસ્ટન અગરે એક-એક વિકેટ લીધી હતી.
 
ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં 286 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથે 131 રન બનાવ્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન લાબુશાનેએ અડધી સદી કરી હતી. ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સ પરથી એક સમયે એમ લાગતું હતું કે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 300 રનને પાર કરી દેશે. પરંતુ લાબુશાનેના આઉટ થયા બાદ કેરીએ થોડો સપોર્ટ કર્યો હતો.
 
ત્યારબાદ તમામ ખેલાડીઓ ઝડપી આઉટ થઈ ગયા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ લીધી. જ્યારે રવીન્દ્ર જાડેજાએ 44 રન આપી એક ઓવર મેડન નાખી બે વિકેટ લીધી હતી. જાડેજાએ એક જ ઓવરમાં લાબુશાને અને સ્ટાર્કની બે વિકેટ ઝડપી મૅચની સ્થિતિ બદલી નાખી હતી.
 
વિરાટ કોહલી સૌથી ઝડપી 5000 રન બનાવનાર કૅપ્ટન બન્યા
ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં વિરાટ કોહલીએ 89 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી કૅપ્ટન તરીકે સૌથી ઝડપી 5000 રન બનાવનાર ખેલાડી બની ગયા છે. વિરાટ કોહલીએ 82 ઇનિંગ્સમાં જ 5000 રન બનાવ્યા છે. આ અગાઉ આ રેકર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામ હતો. તેમણે 127 ઇનિંગ્સમાં બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે 131 ઇનિંગ્સમાં, ગ્રીમ સ્મિથે 135 ઇનિંગ્સમાં અને સૌરવ ગાંગુલીએ 136 ઇનિંગ્સમાં 5000 રન બનાવેલા છે.
 
રોહિત શર્મા સૌથી ઝડપી 9000 રન બનાવનાર ત્રીજા ખેલાડી
રોહિત શર્મા વન-ડેમાં સૌથી ઝડપી 9000 રન બનાવનાર ત્રીજા ખેલાડી બની ગયા છે. આ પહેલાં ત્રીજા ક્રમે સૌરવ ગાંગુલી હતી. આ લિસ્ટમાં પહેલાં ક્રમે વિરાટ કોહલી છે. જ્યારે બીજા ક્રમે સાઉથ આફ્રિકાના ડિવિલિયર્સ છે. જેમણે 205 ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા છે. 9000થી વધારે રન બનાવનાર રોહિત શર્મા છઠ્ઠા ખેલાડી બન્યા છે. હાલ સુધી વિરાટ કોહલી, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડે 9000 રન બનાવ્યા છે.