સલમાન આગાની સદીથી જીત્યુ પાકિસ્તાન, ટ્રાઈ સીરિઝની પહેલી મેચમાં શ્રીલંકાને 36 રનથી આપી માત
પાકિસ્તાને પોતાના ઘરમાં ODI ટ્રાઈ શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. રાવલપિંડીમાં રમાયેલ મુકાબલામાં સલમાન અલી આગાના શાનદાર સદી અને ઝડપી બોલિંગના દમદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાને શ્રીલંકાને 37 રનથી હરાવ્યુ. સલ્માને મુશ્કેલ પરિસ્થિતિઓમાં 107 રનની રમત રમીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. જ્યારબાદ પાકિસ્તાની બોલરોએ શ્રીલંકાની આશા પર પાણી ફેરવી દીધુ. આ ટ્રાઈ શ્રેણીમાં પાકિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ઈગ્લેંડની ટીમ પણ ભાગ લઈ રહી છે.
પાકિસ્તાનને શરૂઆત ખાસ નહોતી
રવિવારે રમાયેલ મુકાબલામાં પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવરમાં 305 રન પર ઓલઆઉટ થઈ ગઈ. સલમાન અલી આગાએ 90 બોલ પર 107 રન બનાવ્યા. તેમની રમતમાં અનેક શાનદાર શૉટ જોવા મળ્યા. જો કે પાકિસ્તાનની શરૂઆત સારી નહોતી રહી. ફખર જમાન અને સૈમ અયૂબ શરૂઆતી 6 ઓવરમાં પેવેલિયન ભેગા થઈ ગયા. ટીમનો સ્કોર 5.5 ઓવરમાં બે વિકેટ પર 32 રન હતો.
ત્યારબાદ બાબર આઝમ અને સાદ બેગે ત્રીજી વિકેટ માટે 74 રનની રમત રમીને સ્થિતિને કંટ્રોલ કરી. બાબરે 57 બોલ પર 45 રન બનાવ્યા. જ્યારે કે સાદ બેગે 40 બોલ પર 39 રન બનાવ્યા. બંને શરૂઆતમાં આઉટ થયા પછી, સલમાન અને હસન નવાઝે પાંચમી વિકેટ માટે 97 રન ઉમેરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી. હસને 37 રન બનાવ્યા. જોકે, પાકિસ્તાને અંતિમ ઓવરોમાં વિકેટ ગુમાવી દીધી અને તેમનો દાવ 305 રનમાં સમેટાઈ ગયો. શ્રીલંકા માટે ઇશાન મલિંગાએ ચાર વિકેટ લીધી, જ્યારે આસિથા ફર્નાન્ડોએ ત્રણ વિકેટ લીધી.
પાકિસ્તાનના બોલરોએ શ્રીલંકાના વાપસીને નિષ્ફળ બનાવ્યો
306 રનના લક્ષ્યાંકનો પીછો કરતી શ્રીલંકાની ટીમની શરૂઆત નબળી પડી ગઈ. ટીમે 19.3 ઓવરમાં 91 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પવન રત્નાયકે અને જાનિથ લિયાનાગેએ પાંચમી વિકેટ માટે 119 રન ઉમેરીને મેચમાં ઉત્સાહ પેદા કર્યો.
રત્નાયકે 79 રન બનાવ્યા, જ્યારે લિયાનાગે 60 રન બનાવ્યા. બંને બેટ્સમેનોના આઉટ થયા બાદ શ્રીલંકાની આશાઓ પર પાણી ફરી વળ્યું. દાસુન શનાકા 18 બોલમાં 28 રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ શાહીન આફ્રિદીએ તેને આઉટ કરીને પાકિસ્તાનની જીત પર મહોર મારી. શ્રીલંકાની ટીમ 48.1 ઓવરમાં 268 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. શાહીન આફ્રિદીએ ત્રણ વિકેટ લીધી, જ્યારે નસીમ શાહ, હરિસ રૌફ અને ફહીમ અશરફે બે-બે વિકેટ લીધી. પાકિસ્તાને 37 રનથી જીત મેળવી અને ત્રિકોણીય શ્રેણીમાં પોતાનું ખાતું ખોલ્યું.

