લોકસભા ચૂંટણીમાં ભાજપ સપાટો બોલાવશેઃ કોંગ્રેસ પછડાશેઃ કેજરીવાલ ખોવાઇ જશે

તૃણમુળ કોંગ્રેસના પ્રવક્‍તા અને રાજયસભાના સાંસદ ડેરેક ઓશ્નબ્રિયાની આગાહીઓ

election logo
Last Modified મંગળવાર, 15 એપ્રિલ 2014 (11:43 IST)

લોકસભા ચૂંટણીના એક પછી એક તબક્કા આગળ વધતા જાય છે તેમ તેમ અત્‍યાર સુધીના મતદાનના ગ્રાઉન્‍ડ રિપોર્ટસ અને પ્રચારના આધારે પરિણામો અંગે જાત જાતની આગાહી થવા માંડી છે. લગભગ તમામ ઓપિનિયન પોલ અને બીજા તમામ સર્વેમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે અને કોંગ્રેસનો આ ચૂંટણીમાં સૌથી કરૂણ રકાસ થશે તેવી આગાહીઓ કરી રહ્યાં છે. ભાજપને સંપૂર્ણ બહુમતી ના મળે તો મમતા બેનરજી, જયલલિતા કે નવિન પટનાયક જેવા નેતાઓને સહારે તે સરકાર રચી શકે છે એવી માન્‍યતા બળવત્તર બનતી જાય છે. લગભગ એ મુદ્દે પણ હવે સર્વસંમતિ જોવા મળે છે કે આ ચૂંટણીમાં સૌથી વધારે ધમાલ આમ આદમી પાર્ટીએ મચાવી છે અને ટીવી ચેનલો કે સોશિયલ મીડિયા સહિતના તમામ મીડિયામાં પણ આપ પાર્ટી અને તેના વડા અરવિંદ કેજરીવાલ છવાઇ ગયા છે. પરંતુ વાસ્‍તવિક ચૂંટણી મેદાનમાં આપ ખાસ ઝાઝું કાંઇ ઉકાળી શકશે તેવું કોઇ માનતું નથી.


કોઇ અનુમાન લગાવવાની સૌની પોતપોતાની આગવી સ્‍ટાઇલ છે. પણ આ આગાહીઓની ભરમાર વચ્‍ચે તૃણમુળ કોંગ્રેસના પ્રવક્‍તા અને રાજયસભાના સાંસદ ડેરેક ઓશ્નબ્રિયાને સૌથી રસપ્રદ રીતે આગાહીઓ કરી છે. તેનું કહેવું છે કે આ ચૂંટણી પછી ભાજપના સંસદસભ્‍યો એક એરબસ વિમાન ભરેલા હોઇ શકે છે. કોંગ્રેસીઓ તો ટ્રેનના એક ડબ્‍બામાં જ સમાઇ જશે. મમતા બેનરજી અને માયાવતીએ મોટી બસ કરવી પડશે. તેમની સૌથી કરૂણ આગાહી આ ચૂંટણી પ્રચારમાં બહુ ગાજેલી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી માટે છે. તેઓ કહે છે કે અરવિંદ કેજરીવાલના સંસદસભ્‍યોની સંખ્‍યા એક રીક્ષાની પાછલી સીટ ભરાય તેટલી જ હશે.


ડેરિકે પોતાના બ્‍લોગમાં પોતાની આગાહીઓ લખતાં દર્શાવ્‍યું છે કે ભાજપ આ લોકસભામાં સિગલ લાર્જેસ્‍ટ પાર્ટી તરીકે ઉભરી આવશે તેમાં તો કોઇને શંકા નથી. ભાજપને પોતાને વિશ્વાસ છે કે તેને ૨૦૦ કરતાં વધુ બેઠક મળશે.ભાજપવાળા તો આનાથી પણ વધુ બેઠકો મળશે તેવા ખ્‍વાબમાં પણ રાચી રહ્યા છે. પણ, કદાચ ભાજપનું આ ખ્‍વાબ તો ફલે તેમ નથી. ભાજપને પશ્ચિમ બંગાળમાં એક પણ બેઠક નહીં મળે. દાર્જિલીંગ બેઠક પર ભાજપ દ્વારા બહુ જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે પણ ત્‍યાં તેમની દાળ ગળવાની નથી. ઓરિસ્‍સા, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ તથા કેરળમાં તો ભાજપની હાજરી નહીંવત્ત છે. આટલી હોહા મચાવ્‍યા પછી પણ ભાજપને એ૩૨૦ એરબસમાં સમાય તેટલા સંસદસભ્‍યો મળે તેવું લાગે છે. આ એરબસની બેઠક ક્ષમતા છે ૧૮૦. ભાજપે આટલામાં સંતોશ માનવો પડે તેવું બની શકે છે.


હવે કોંગ્રેસ વિશે જોઇએ તો કોંગ્રેસ તેના ઇતિહાસની સૌથી કરૂણ ક્ષણનો સામનો કરે તેવું બની શકે તેમ છે. કદાચ કોંગ્રેસના સંસદસભ્‍યોની સંખ્‍યા ભારતની કોઇ એક સામાન્‍ય ટ્રેનનો એક ડબ્‍બો ભરાઇ જાય તેટલા હોઇ શકે છે. સામાન્‍ય રીતે એક ટ્રેનના ડબ્‍બામાં ૭૨ બેઠક હોય છે.
તૃણમુળ કોંગ્રેસ, અન્ના દ્રમુક અને બિજુ જનતા દળ પોતપોતાના રાજયોમાં બહુ મજબુત છે અને તેઓ બહુ સારી એવી બેઠકો સાથે વિજેતા બનશે. આ દરેક પક્ષ પાસે એટલા સંસદસભ્‍ય હશે કે તે તેમને એક લક્‍ઝરી બસમાં આરામદાયક રીતે બેસાડી શકે. કદાચ સીમાંધ્ર રિજિયનમાં વાયએસઆર કોંગ્રેસના જગન મોહન રેડ્ડી પણ એકાદ મિની બસ કરી શકે તેટલા સંસદસભ્‍યો લઇ આવશે. આ જ રીતે ઉત્તર પ્રદેશમાં ભાજપને ટફ ફાઇટ આપી રહેલાં બસપના માયાવતી પણ એકાદ સ્‍મોલ બસ થઇ જાય તેટલા સંસદસભ્‍યો લઇ આવી શકે છે. આમ આદમી પાર્ટીનો સવાલ છે ત્‍યાં સુધી તેમના સંસદસભ્‍યોની સંખ્‍યા એક ઓટોરિક્ષાની પાછલી સીટ ભરાઇ જાય તેટલી હોઇ શકે છે.


તો ચૂંટણી પછીનો સિન કાંઇક આવો જામશે. એક પ્‍લેન હશે જેના બધા પ્રવાસીઓ સજ્જ થઇને ગોઠવાઇ ગયા હશે પણ તેને ટેક ઓફ કરવા માટે જરૂર બળતણ એટલે કે વધારાની બેઠકો અને જોડીદારો જોઇશે. એક ટ્રેનનો એકલોઅટૂલો ડબ્‍બો કયાંક વચ્‍ચે દિશાહિન હાલતમાં પડયો હશે જેના માટે કોઇ પાટા પણ નહીં હોય અને કોઇ એન્‍જિન પણ તેને ખેંચી જવા નહીં આવવાનું હોય. સદનસીબે ભારતના સામાન્‍ય માણસ માટે પ્રવાસની વ્‍યવસ્‍થા અને ઇચ્‍છાનું સાચૂકલું પ્રતિનિધિત્‍વ કરતી એવી બસો આપણી પાસે વધારે હશે. ૧૬મી મે પછી કદાચ આ બસો એટલે કે આ પક્ષો જ ભારતને તેનાં નવા મુકામ ભણી લઇ જશે.


આ પણ વાંચો :