હાઇકમાન્ડે કોંગ્રેસના વર્તમાન 57 ધારાસભ્યોની ટિકિટ પર મહોર મારી દીધી
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીને લઈને કામે લાગી ગયાં છે. ભાજપને સામાજિક આંદોલન સતાવી રહ્યાં છે. તો બીજી બાજુ કોંગ્રેસને અંદરનો જૂથવાદ. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની નારાજગી ઉડીને આંખે વળગે તેમ છે. ત્યારે કોંગ્રેસના હાઈકમાન્ડની મીટિંગમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યાં નહોતાં. અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 57 ધારાસભ્યોની ટિકિટ ફાઇનલ છે. તેમને આગામી ચૂંટણીમાં રિપીટ કરવામાં આવશે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી છે. હાઇકમાન્ડ સાથેની મીટિંગમાં ચૂંટણીમાં 2/3 બહુમતી મેળવવા ચર્ચા કરાઇ હતી. આ મીટિંગમાં જ 57 ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી થયું હતું. હાઇકમાન્ડે કોંગ્રેસના વર્તમાન 57 ધારાસભ્યોની ટિકિટ પર મહોર મારી દીધી છે. ત્યારે આગામી ટૂંક સમયમાં જ કોંગ્રેસ ચૂંટણીલક્ષી કામગીરી વધુ તેજ બનાવશે. આગામી અઠવાડિયામાં જ કોંગ્રેસના પ્રદેશ હોદ્દોદારોની પણ જાહેરાત કરવામાં આવશે અને હાઇકમાન્ડ સાથેની ચર્ચા અને નિર્દેશો પ્રમાણે દરેકની ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવશે. સાથે જ 9મી જૂનના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પણ અમદાવાદ આવી ચૂંટણીલક્ષી વ્યૂહાત્મક મીટિંગ કરશે. કોંગ્રેસ હાઇકમાન્ડ અને બાપુ વચ્ચે નારાજગીનો હજુ સુધી અંત આવ્યો નથી.