શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (13:49 IST)

તમામ લોકઆંદોલનોને હરાવી એક્ઝિટપોલમાં ભાજપની જીત થઈ

ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીનું મતદાન પુરૂ થઈ ગયું છે અને તેનું પરિણામ 18મીએ સોમવારે જાહેર થશે. પરંતુ જે પ્રમાણે એક્ઝિટ પોલ પર ભાજપની જીત બતાવવામાં આવે છે તે પ્રમાણે અનેક દલિલો છે. એક તરફ લોક આંદોલનો હતાં અને બીજી બાજુ તમામનો વિરોધ સહન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી હતી. ત્યારે એવું લાગતું હતું કે હવે ગુજરાતમા ભાજપનું શાસન ગયું. પરંતુ એક્ઝિટ પોલના તારણો પ્રમાણે હવે લોક આંદોલનો સામે ભાજપની જીત થઈ છે. 
એક બાજુ પાટીદાર આંદોલન ચલાવનાર હાર્દિકની સભાઓમાં લાખોની સંખ્યામાં લોકો આવતાં હતાં ત્યારે પણ એમ લાગતું હતું કે ભાજપને ફટકો પડશે પણ એક્ઝિટ પોલના તારણો પ્રમાણે લોકોએ માત્ર હાર્દિકની સભાઓનો તમાશો જોયો અને મત ભાજપને આપ્યો. અથવા તો જે લોકો ભાજપથી નારાજ હતાં તેમણે મતદાન જ ના કર્યું. જે ઓછું મતદાન થયા પરથી જોઈ શકાય છે. જો એકઝીટ પોલ સાચા પડે છે તો તેનો અર્થ હાર્દિકની સભામાં આવનાર પાટીદાર અને અન્ય કોમના યુવાનોએ ભાજપ સામે નારાજગી હોવા છતાં ભાજપને જ મત આપ્યો છે અથવા મતદાનથી અળગા રહ્યા પણ કોંગ્રેસને મત આપ્યો નથી.  
અલ્પેશ અને હાર્દિકના મુળ આંદોલનની શરૂઆત ઉત્તર ગુજરાતમાંથી થઈ હતી, ત્યાર બાદ હાર્દિકનું આંદોલન સૌરાષ્ટ્ર સુધી વિસ્તર્યુ હતું, જેની અસર ખાસ કરી સુરતમાં પણ થઈ હતી. આમ ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને સુરતમાં આંદોલન થયા છતાં એકઝીટ પોલ પ્રમાણે આંદોલનની અસરનું મતદાનમાં કોગ્રેસ તરફી રૂપાંતરણ થયુ નહીં. જ્યારે સુરતમાં જીએસટી પછી પણ કાપડ ઉધ્યોગ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યુ હતું, તો પછી ખરેખર પોતાના ધંધામાં પરેશાન થનાર વેપારીઓ અને ઉધ્યોપતિઓએ પણ નારાજગી છતાં ભાજપને મત આપ્યા હતા. નોટબંધીની અસર ગરીબ માણસથી લઈ શ્રીમંતો સુધી એક સરખી થઈ છે. નોટબંધીને કારણે ગુજરાતના અનેક ધંધામાં મંદી આવી છે, તેને કોઈ નકારી શકે તેમ નથી. તો પછી ધંધો અને રોજગાર ગુમાવનારે પણ ભાજપને મત આપ્યો છે.
 આ ઉપરાંત મોંધવારી પણ નિયંત્રણ બહાર ગઈ, તો મોંઘવારીનો સામનો કરનાર મહિલાઓ પણ પોતાના ચુલો રોજ સળગતો રાખવામાં નિષ્ફળ ગયેલી ભાજપને સરકારને મત આપ્યો છે. આ પ્રકારે ખેડૂતો પણ પોતાને ટેકાના ભાવ મળતા નથી તે મુદ્દે ખુબ નારાજ હતા, તો તેનો અર્થ ખેડુતોએ માની લીધુ કે ટેકાના ભાવ નહીં મળે તો ચાલશે પણ અમારે તો ભાજપની સરકાર જ જોઈએ છે.આમ વિવિધ પ્રકારના આંદોલનની કોઈ અસર થઈ નહીં, અને એકઝીટપોલ પ્રમાણે ભાજપ સામે તમામ લોક આંદોલનો હારી ગયા અને ભાજપ જીતી ગયું.