રાજકોટમાં હાર્દિકની સભાના બેનરો ફાડતાં પાસમાં રોષ ફેલાયો

hardik rajkot
Last Modified સોમવાર, 27 નવેમ્બર 2017 (15:28 IST)

રાજકોટમાં આગામી 29ના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મહાક્રાંતિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર સભાના મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. તેમજ 1000થી વધારે ઓટો રિક્ષાઓમાં પણ બેનર લગાવવામાં આવ્યા છે. પ્રથમવાર પોલિટિકલ પાર્ટીની જેમ હાર્દિકની સભાની તૈયારી કરાઈ રહી છે. હાર્દિકની સભા શહેરના 150 ફૂટ રિંગરોડ પર નાનામૌવા ખાતે યોજાનાર છે. આ વિસ્તાર સામાન્ય રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ તૈયારીઓને લઈને ભાજપની ચિંતામાં વધારો થયો છે.

રાજકોટ પાસના કન્વીનર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, પાસ માટે આ મહત્વની સભા છે અને એક અંદાજ મુજબ 3 લાખથી વધારે લોકો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ સભામાં ભાગ લેવા આવનાર છે. ભાજપ માટે આ ચૂંટણી એક પડકાર બની ગઈ છે અને હવે 22 વર્ષના શાસનને પ્રજા જાકારો આપવાની છે. ત્યારે હવે આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ ગુજરાતની પ્રજાની છે. જીએમડીસી સભા બાદ થયેલા તોફાનો માટે હાર્દિકને જવાબદાર ગણાવવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટમાં પણ ભાજપ તોફાનો કરાવી અને પાસને જવાબદાર ઠેરવશે તેવી આશંકા પણ તેણે દર્શાવી હતી.દરમિયાન ગતરાત્રે આ મહાક્રાંતિસભાના બેનરો ફાડવામાં આવ્યા હતા. આ મામલે બ્રિજેશે સિશિયલ મીડિયા મારફત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભાજપ પોતાની જાત ઉપર ઉતરી આવી છે. છેલ્લા દિવસે ભાજપ ખેલ કરશે તેમ હતું પરંતુ ભાજપને તો 4 દિવસ પહેલા જ રેલો આવી ગયો છે. ત્યારે બધા પાટીદાર યુવાનોને વિનંતી છે કે, સરકાર અને રાજકોટ ભાજપ સભા બગાડવાના ઘણા પ્રયત્નો કરે છે અને કરશે પણ તમે સંયમ ગુમાવ્યા વગર ખાલી સભામાં વધુ સંખ્યામાં લોકો ઉમટે તેવી તૈયારી કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત જે લોકો બેનર ફાડવા અને ઉતારવા આવ્યા હતા તેને પણ સભા સાંભળવાનું આમંત્રણ આપ્યું હતું. સાથે-સાથે ચેતવણી આપતા કહ્યું હતું કે, હવે બેનર ફાડવાની હલકી રાજનીતિની શરૂઆત તમે કરી છે. પણ આ હલકી રાજનીતિને પુરી અમારે ન કરવી પડે તેનું ધ્યાન રાખજો. જીએમડીસી ગ્રાઉન્ડની જેમ રાજકોટમાં કોઈ તોફાન થશે તો તેના માટે ભાજપ સરકાર જવાબદાર રહેશે તેવું પણ તેણે જણાવ્યું હતું. બીજી તરફ પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે.


આ પણ વાંચો :