1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 10 મે 2017 (12:31 IST)

આજે કોંગ્રેસની પ્રદેશ કારોબારી, ચૂંટણી રણનીતિ ઘડાશે, જૂથવાદ ટાળવા અશોક ગેહલોત ધારાસભ્યોને મળશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હજુયે કોંગ્રેસના પ્રદેશના નેતાઓમાં મનમેળ નથી . આંતરિક જૂથવાદને પગલે ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડ પણ ચિંતિત છે. આવતીકાલે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની કારોબારી મળી રહી છે જેમાં ચૂંટણીલક્ષી રણનિતી ઘડાશે. આ ઉપરાંત જૂથવાદ ટાળવા માટે પણ મથામણ થશે .
સૂત્રોના મતે, તા,૧૦મીએ અમદાવાદમાં એસ.જી હાઇવે પર મ્યુનિ.કોર્પોરેશન હોલમાં પ્રદેશ કોંગ્રેસની કારોબારી મળશે. જેમાં નવનિયુક્ત પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત સહિત એઆઇસીસીના અન્ય ચાર સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. બેઠકમાં આગામી દિવસોમાં પ્રજાલક્ષી પ્રશ્નો આગળ ધરીને ભાજપ સરકાર સામે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે. આ ઉપરાંત સંગઠનને વધુ મજબૂત કરવા શું શું કરવુ તે અંગે ચર્ચા વિચારણા થશે.

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતી મજબૂત કરવા ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડ રસ દાખવી રહ્યું છે ત્યારે જૂથવાદ ટાળવા મથામણ થઇ રહી છે. પ્રદેશના ટોચના નેતાઓ એકસાથે મળીને ચૂંટણી લડે તે માટે પ્રયાસો થઇ રહ્યાં છે. આ કારણોસર અશોક ગેહલોત બે દિવસીય પ્રવાસ દરમિયાન ધારાસભ્યથી માંડીને કોંગ્રેસના આગેવાનોને મળશે તેમના મત જાણશે. અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસ વિશેનો એક અહેવાલ રાહુલ ગાંધીને આપશે . એવી પણ માહિતી મળી છેકે, પાટીદાર ધારાસભ્યોને સંગઠનથી માંડીને ચૂંટણીલક્ષી કામગીરીમાં મહત્વનુ સ્થાન આપવામાં આવશે. ટૂંક જ સમયમાં સંગઠનના માળખાની પણ જાહેરાત થવાની સંભાવના છે.