બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (13:08 IST)

ભાજપની પ્રદેશ કારોબારીમાં વિરોધનો બુંગિયો ફુંકાયો, પક્ષપલટુઓને ટિકિટ મળશે તો પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપે લાલજાજમ બિછાવી હતી. નક્કી કરેલી રાજકીય શરતો આધારે પક્ષમાં પ્રવેશ અપાયો હતો.પક્ષપલ્ટુઓને મહત્વ આપવામાં આવતાં ભાજપમાં ઉકળતા ચરૃ જેવી સ્થિતી પરિણમી રહી છે. કમલમમા યોજાયેલી પ્રદેશ કારોબારીને બેઠકમાં ખુદ ભાજપના હોદ્દોદારોએ એવી રજૂઆત કરી હતી કે, કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ પહેરનારાં ધારાસભ્યો-હોદ્દેદારોને વિધાનસભાની ટિકીટ આપશો નહીં. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવનારાંની સંખ્યા વધી છે. મંત્રીમંડળથી માંડીને બોર્ડ નિગમોમાં ય મૂળ કોંગ્રેસીઓનો જ દબદબો રહ્યો છે.

વર્ષોથી પક્ષ માટે મજૂરી કરનારાંની ભારોભાર અવગણના થઇ રહી છે. ભાજપનું કોંગ્રેસીકરણ થતાં હવે પક્ષમાં અસંતોષ ઉભરી રહ્યો છે. કમલમમાં આયોજિત પ્રદેશ કારોબારીમાં એવી રજૂઆત થઇ કે, કોંગ્રેસ છોડીને આવેલાં પક્ષપલ્ટુઓને વિધાનસભાની ચૂંટણીની ટિકીટ આપવામાં આવશે તો,કાર્યકરોમાં અસંતોષ વ્યાપશે.એટલું જ નહીં, કાર્યકરો ચૂંટણીમાં કામ કરશે નહીં. પક્ષના વફાદાર હોય તેને જ ટિકિટ આપવામાં આવે તે જરૃરી છે. પક્ષપલ્ટુઓને બોર્ડ-નિગમના ચેરમેન બનાવવામાં આવે તો વાંધો નથી. પણ ધારાસભ્ય બનાવશો નહીં. આ ભાજપ માટે જોખમી પુરવાર થશે.બીજી તરફ, પક્ષપલ્ટુઓ તો ધારાસભ્ય બનવા થનગની રહ્યાં છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા ભાજપના કેટલાંય દાવેદારો લાઇન લગાવીને ઉભા છે. મતવિસ્તારોમાં મહેનત મથામણ કરી રહ્યાં છે ત્યારે પક્ષપલ્ટુઓને ટિકિટ આપી દેવા નકકી કરાયુ છે. આ સ્થિતીને લીધે ભાજપમાં ગણગણાટ શરૃ થયો છે.ભાજપની પ્રદેશ નેતાગીરી સામે રોષ ભભૂકવા માંડયો છે જેના લીધે ભાજપના નેતાઓ જ માથુ ખંજવાળતા થયા છે. ભાજપ માટે પણ કોંગ્રેસના બાગીઓને લીધા સિવાય છૂટકો નથી. એન્ટીઇન્કમ્બન્સીને લીધે કોંગ્રેસના બાગીઓના સાથ વિના ભાજપ માટે પણ ચૂંટણી જીતવી અઘરી છે.આમ, ભાજપના નેતાઓ માટે પક્ષનો આંતરિક ઘુઘવાટ ચૂંટણીટાણે જ એક નવી સમસ્યા બની રહ્યો છે.