શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (12:56 IST)

વિકાસ ગાંડો થયાના કેમ્પેન બાદ ભાજપના અનેક મંત્રીને ચૂંટણી લડવામાં રસ નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે કયાં પક્ષને સત્તા મળશે તેનું ચિત્ર હજુ સ્પષ્ટ થતું નથી. એવામાં સોશિયલ મીડિયામાં ચાલેલું વિકાસ વિરોધી કેમ્પેન વિકાસ ગાંડો થયો છે તેનાથી ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. જેથી હવે સત્તાધારી ભાજપનાં અનેક મંત્રીઓ અને ધારાસભ્યોને આ વખતની ચૂંટણી લડવામાં કોઇ રસ રહ્યો નથી. નિરીક્ષકો સેન્સ લેવાનું શરૃ કરશે ત્યારે તેઓ દાવેદારી કરવાને બદલે 'મારે ટિકિટ નથી જોઇતી' એવું કહેશે તો કોઇને નવાઇ નહીં લાગે. રાજ્યકક્ષાના પંચાયત મંત્રી જયંતિ કવાડીયાએ મોવડીઓ સમક્ષ ચૂંટણી લડવાને બદલે સંગઠનમાં કામ કરવાની વધુ ઈચ્છા હોવાનું કહ્યું છે. સૂત્રો જણાવે છે કે, આગામી દિવસોમાં ભાજપનાં કેટલાક સીનિયર ધારાસભ્યો અને મંત્રીઓ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવું પક્ષને કહી શકે છે. ઉપરાંત ૭૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય અને ચારથી વધુ ટર્મથી જીતતા હોય છતાં તેમનો દેખાવ નબળો હોય તેવા ધારાસભ્ય-મંત્રીઓને ભાજપ ટિકિટ આપવાનો નથી. આવા મંત્રી-ધારાસભ્યોએ પોતાના પરિવારનાં કોઇ સભ્યને ટિકિટ મળે તેવી ગોઠવણ કરી છે. ભાજપનાં નારણ પટેલ, પરબત પટેલ, નરોતમ પટેલ અને મંગુભાઇ પટેલ જેવા અનેક ધારાસભ્યો ૭૦થી ૭૫ વર્ષથી વધુ ઉંમરના છે. જેમાંથી મોટાભાગના મંત્રી રહી ચૂક્યા છે. આમાંથી કેટલાક વયોવૃધ્ધ ધારાસભ્યોને હજુ ચૂંટણી લડવાનાં ઓરતા છે જ. તેઓ નવા ચહેરાઓને તક આપવાના મતમાં નથી. ૨૦૧૨માં 'નો રીપિટ' થીયરીનો નહિવત રીતે અમલ કરાયો હતો. તેને લીધે જેમને ટિકિટ મળવાની નહોતી તેવા કેટલાય ધારાસભ્યો ફાવી ગયા હતા. પણ આ વખતે સ્થિતિ જુદી છે. મોટાભાગના વર્તમાન ધારાસભ્યો સામે ટિકિટ મેળવવાનું જ જોખમ છે.