મનમોહનસિંહ સુરતમાં કાપડના વેપારીઓ સાથે સંવાદ કરશે
જીએસટીના મુદ્દે સુરતના કાપડના હજારો વેપારીઓ માર્ગદર્શન માટે ભાજપના દિગ્ગજ નેતાઓનો સંપર્ક કરવાના પ્રયાસો કરતા હતા ત્યારે કોઈ મળવા બોલાવતું નહીં. આજે ચૂંટણીના પ્રતાપે એવો સમય આવ્યો છે કે હવે ભાજપ કોંગ્રેસ બન્નેના દિગ્ગજ નેતાઓ વેપારીઓને સામેથી બોલાવી રહ્યા છે. તેવી સ્થિતિમાં કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે અને વિશ્વભરમાં જેમની નોંધ લેવાઈ રહી છે તેવા તજજ્ઞ અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘનો સુરત કાર્યક્રમ ગોઠવ્યો છે.
તા. 2 ડિસેમ્બરે ડો.સિંઘ સુરતના કાપડના વેપારીઓને મળશે, જીએસટી સંદર્ભે વિગતે ચર્ચા કરશે અને તેમાંથી કઈ રીતે રાહત મેળવી શકાય એ મુદ્દે માર્ગદર્શન આપશે. કાપડાના વેપારીઓની વેદના સાંભળવાનો પ્રથમ પ્રયાસ રાહુલ ગાંધીએ કર્યો. તેમણે વેપારી સાથે ખુલ્લી ચર્ચા કરી. વેપારીઓના પ્રશ્નોના જવાબો પણ આપ્યા. ત્યાર બાદ અમિત શાહે વેપારીઓને તાબડતોબ બોલાવીની સાંભળ્યા. તે પછી કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ વેપારીઓના પ્રતિનિધિ મંડળને મળવા દિલ્હી બોલાવ્યું હતું. હવે ડો. મનમોહન સિંઘ આવી રહ્યા છે. જાણીતા અર્થશાસ્ત્રી ડો. સિંઘ પાસે ખૂબ ઊંડાણપૂર્વક આર્થીક બાબતોનું જ્ઞાન છે. વળી, તેમની સ્ટાઈલ ખૂબ સરળ છે. સરળતાથી સમજાવવામાં તે માસ્ટર છે. તેવી સ્થિતિમાં કાપડના વેપારીઓને મળવાનો કાર્યક્રમ યોજીને કોંગ્રેસે ભાજપને મોટો ફટકો માર્યો હોવાનું રાજકીય નિરિક્ષકોનું કહેવું છે.