શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (17:24 IST)

આણંદમાં બોગસ મતદાનની ફરિયાદ બાદ જૂથ અથડામણ, પત્રકારોને નિશાન બનાવ્યા

આણંદ શહેરમાં મતદાન દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, આ સમગ્ર ઘટનામાં નગરપાલિકા પ્રમુખના પતિ પી સી પટેલને ગંભીર ઇજાઓ પહોંચી છે. બીજી તરફ આ ઘટના બાદ અન્ય એક સ્થળે બોગસ મતદાન થઇ રહ્યું હોવાની ફરિયાદ કરી બબાલ કરવામાં આવી હોવાનો મામલો પણ પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આણંદ શહેરની મધ્યમાં આવેલા મોટા અળદ વિસ્તારમાં આજે બપોરે બે કલાકે બે જૂથો વચ્ચે બબાલ થઇ હતી,

મામલો ઉગ્ર બની ગયો હતો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઇ હતી. આ ઘટના બનવા પાછળનું કારણ એક જૂથ દ્વારા પહેલાં મતદાન કરવામાં આવ્યું હતું અને બાદમાં બપોર પછી મતદાન કરવા જઇ રહેલા બીજા જૂથને મતદાન કરતા અટકાવવાની બાબતને માનવામાં આવી રહી છે. મામલાની ગંભીરતા જોઇ શહેર અને જિલ્લા પોલીસ, આરીપએફની ટૂકડી ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર બનાવ દરમિયાન બન્ને જૂથો દ્વારા પત્રકારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

બનાવના પગલે નાની અળદ મતદાન મથક ખાતે અડધા કલાક સુધી મતદાન પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી અને કોઇ ચહલ પહલ જોવા મળી નહોતી. આ બનાવ બાદ જ શહેરની ટીએન હાઇસ્કૂલ ખાતે અજાણ્યા શખ્સો પહોંચ્યા હતા અને બોગસ મતદાન થઇ રહ્યું હોવાનું જણાવી માથાકૂટ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. બીજી બાજુ વડોદરાના સાવલીમાં પ્રેમ પ્રસંગના મામલે બબાલ થઈ હતી જેની અસર મતદાન પર પડી હતી.