શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 5 નવેમ્બર 2022 (09:29 IST)

કોંગ્રેસે જાહેર કરી 43 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોને મળી ટિકીટ, કોનું પત્તુ કપાયું

congress
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ વિધાનસભા ચૂંટણીમાં જીતનો સિલસિલો જારી રાખવાનો પ્રયાસ કરશે. આ સાથે જ વિપક્ષ કોંગ્રેસ પણ સત્તામાં વાપસીને લઈને આત્મવિશ્વાસમાં જોવા મળી રહી છે, જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકીય ક્ષેત્રે પોતાનો દબદબો બતાવવા માટે તૈયાર છે. કોંગ્રેસે શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ મુખ્ય છે.
 
પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી ઉમેદવારોની યાદી મુજબ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોઢવાડિયાને પોરબંદરમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સાથે અકોટાથી ઋત્વિક જોષી, રાવપુરાથી સંજય પટેલ અને ગાંધીધામથી ભરત વી.સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.
 
શુક્રવારે (4 નવેમ્બર) કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે ગુજરાત ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર વિચાર મંથન કર્યું હતું. આ પછી કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાત ચૂંટણીને લઈને આજે CECની આ બીજી બેઠક હતી, જેમાં 70 થી 80 ઉમેદવારોના નામ પર મહોર લાગી હોવાનું જાણવા મળે છે. આ પહેલા કોંગ્રેસ સીઈસીની પ્રથમ બેઠકમાં 110 જેટલા ઉમેદવારોના નામને મંજૂરી આપવામાં આવી છે.
 
ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે અને બાકીની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.