શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. સ્વર્ણીમ ગુજરાત (1960-2010)
Written By વેબ દુનિયા|

ગુજરાતી મનોરંજનના સ્ટાર

IFM
મલ્લિકા સારાભાઈ - ભારતીય નૃત્યમાં નિપુણતા મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર મલ્લિકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુત્રી છે. મલ્લિકાને બાળપણથી જ તેમના પિતાએ શિક્ષા આપી હતી કે છોકરીઓએ કદી કમજોર ન બનવુ જોઈએ. તેમણે પણ છોકરાઓની જેમ જ નીડર અને શક્તિશાળી બનીને દરેક મુસીબતનો સામનો કરવો જોઈએ પછી ભલે તે પરણેલી કેમ ન હોય. મલ્લિકાએ આ વાતને જીવનમાં ઉતારી છે.

મલ્લિકાએ અને તેમના પતિ બિપિનભાઈએ મળીને એક પ્રકાશન સંસ્થાની સ્થાપના કરી જેનુ નામ 'મપિન' છે. જેણે ભારતીય સંગીત કલા, નૃત્ય, ભારતીય પહેરવેશ વગેરે ઉપરાંત સાંસ્કૃતિક, નૈસર્ગિક જેમાં અનેક વિષયોના ગ્રંથો પ્રકાશિત કર્યાં છે. મલ્લિકા સારાભાઈએ ગુજરાતી ફિલ્મોમાં લગભગ એક દાયકા સુધી કામ કર્યું છે.

મલ્લિકાએ ફિલ્મોમાં આવતા પહેલા જ નક્કી કરી લીધુ હતુ કે તે કોઈ પણ એવો રોલ નહી કરે જેમાં સ્ત્રીને અત્યાચાર સહન કરતી બતાવી હશે. મલ્લિકાને સૌથી વધુ ખ્યાતિ મળી હોય તો પીટર બુક્સના મહાભારતને કારણે, પીટર બુક્સના દિગ્દર્શન હેઠળ સ્ટેજ પર ભજવાતા અને દીર્ધ ફિલ્મ તરીકે પણ દર્શાવાતા ‘મહાભારત‘માં મલ્લિકાએ દ્રોપદીનું પાત્ર ભજવ્યું છે. પાંચ વર્ષમાં આ નાટક દુનિયામાં ૨૫ થી યે વધુ દેશોમાં ભજવાયું છે. આ નાટકમાં મલ્લિકાનો અભિનય ખૂબ જ વખણાયો હતો.

હાલ મલ્લિકાનો ગુજરાતી ફિલ્મ સાથેનો સંપર્ક લગભગ તૂટી ગયો છે અને તેઓ પોતાની માતાની સંસ્થા 'દર્પણ' માં જોડાઈને પોતાની સેવા આપી રહ્યા છે.

લોકગીત ગાયક-દિવાળીબેન ભીલ

એક સારા ગાયક બનવા આજે લોકો કેટલી તાલીમો લે છે, પણ કંઠ એ કોઈ શીખવાની વસ્તુ નથી એ તો કુદરતી બક્ષિસ છે, જે ખૂબ જ ઓછા લોકોને મળે છે. ગુજરાત પાસે પણ આવા એક ઉત્તમ ગાયિકા છે, જેમણે કદી સંગીતની કોઈ શિક્ષા ગ્રહણ નથી કરી કે નથી કોઈ સંગીતની તાલીમ લીધી, છતા તેમના કંઠમાં એ મીઠાસ છે જે લોકોને ડોલાવી દે છે.

બિલકુલ નિરક્ષર એવા આદિવાસી કુંટુંબમાં જન્મેલી આ કલાકારે ગુજરાતના ભૂલાઈ જવાતા લોકગીતોને પોતાનો મધુર કંઠ આપીને ફરી લોકોના હૃદયમાં ગુંજતા કરી દીધા છે. તેમણે ગાયેલા આપણા લોકગીતો 'મારે ટોડલે બેઠો રે મોર ક્યા બોલે', 'હું તો કાગળિયા લખી લખી થાકી' વગેરેથી આપણી યુવાપેઢીને પરિચિત કરી છે. તેમના આ અમૂલ્ય યોગદાન માટે જ 1991માં તેમણે ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. આ કલાકાર એ બીજા કોઈ નહી પણ છે એ આપણા 'દિવાળીબેન ભીલ'

શોખ ખાતર ગાનાર દિવાળીબેન ભીલ 20 વર્ષની ઉંમરે જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે તેમણે એક ડોક્ટરને ઘરે કામ મળ્યુ હતુ. એક દિવસ નવરાત્રીમાં તેઓ ગરબો ગવડાવતા હતા ત્યારે ત્યાં આકાશવાણીના કેટલાક અધિકારીઓ પણ હાજર હતા, તેમને દિવાળીબેનનો અવાજ એટલો ગમ્યો કે તેમણે ત્યાને ત્યાંજ તેમનો અવાજ રેકોર્ડ કરી લીધો અને બીજે દિવસે તેમણે આકાશવાણીમાં રેકોર્ડિંગ માટે બોલાવ્યા. તેમનો આ પહેલો અનુભવ હતો છતાં તેમણે બિલકુલ ગભરાયા વગર પોતાનુ પહેલ વહેલું ગીત 'ફૂલ ઉતાર્યા ફૂલવાડીરે લોલ' રેકોર્ડ કરાવ્યુ. આમ ત્યારબાદ તેમની સંગીત યાત્રા શરૂ થઈ હતી.