અમદાવાદમાં દાણીલીમડા બેઠક પર લડવા કોંગ્રેસના બે નેતાઓ સામસામે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ગુજરાતમાં દાવેદારી માટે ઉમેદવારો પાસેથી બાયોડેટા મગાવ્યા હતા. જેમાં 600થી વધુ ઉમેદવારોએ બાયોડેટા મોકલ્યા હતા. દાણીલીમડાની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા કોંગ્રેસના કાઉન્સિલર કામળાબેન ચાવડાએ પણ દાવેદારી નોંધાવી છે. જોકે આ બેઠક પર કોંગ્રેસના સીટિંગ MLA શૈલેષ પરમાર ગત ટર્મમાં ચૂંટણી લડ્યા હતા. એવામાં હવે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવી શકે છે.
કોંગ્રેસના દાણીલીમડાના મહિલા કાઉન્સિલર કમળાબેન ચાવડાએ આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે બાયોડેટા મોકલ્યો છે. કોંગ્રેસે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે પોતાના વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરશે, જોકે તેમ છતાં તેમણે આવી બેઠક પરથી અન્ય ઉમેદવારોની ટિકિટ મગાવી હતી. તેવામાં હવે કમળાબેન ચાવડાએ દાવેદારી નોંધાવી છે. દલિતો અને મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પરથી ધારાસભ્ય શૈલેષ પરમારને જ રિપીટ કરાય તેવી સંભાવના છે. એવામાં મહિલા કાઉન્સિલરની ટિકિટ ન મળવાથી કોંગ્રેસમાં અંદરો અંદર કકળાટ થઈ શકે છે.કમળાબેન ચાવડા વર્ષ 2000થી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને તેઓ પાંચ ટર્મથી કાઉન્સિલર રહી ચૂક્યા છે. દાણીલીમડાની વિધાનસભા બેઠક પર અગાઉ પણ કોંગ્રેસમાં કકળાટ થઈ ચૂક્યો છે. અગાઉ આ જ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જમના વેગડાની AMCમાં વિપક્ષના નેતા ન બની શકતા કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. જેમાં AMCના વિપક્ષના નેતા શહઝાદખાન પઠાણ તથા ધારાસભ્ય શૈલેષ પરમાર પર કાળુંજાદું કરાયું હોવાનું કહેવાયું હતું. જે બાદ કોંગ્રેસ દ્વારા તપાસ કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.