1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026
  4. Gujarat Local Body Election Voting Live Upate

Gujarat Local Body Election 2026 Voting Live : Election માં ક્યાંક ગરમીનો પ્રકોપ, તો ક્યાંક સુવિધાઓના અભાવે જનતાનો રોષ

local body election
આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ ગુજરાતમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ, 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે, જેમાં 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે.
 

વહીવટી તંત્રની સજ્જતા અને EVM વિતરણ

 
ચૂંટણીને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દરેક જિલ્લામાં ઝોનલ ઓફિસરો દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસરોને EVM અને VVPAT મશીનોની ફાળવણી કરી દેવામાં આવી છે. સંપૂર્ણ ચકાસણી બાદ મતદાન સ્ટાફ પોતપોતાના નિર્ધારિત મથકો પર પહોંચી ગયો છે, જેથી મતદાન પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે.
 

બેઠકોનું ગણિત અને બિનહરીફ ઉમેદવારો

 
રાજ્યની 15 મહાનગરપાલિકાઓના 261 વોર્ડની 1044 બેઠકોમાંથી 43 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તેવી જ રીતે, નગરપાલિકાની 2324 બેઠકોમાંથી 385, જિલ્લા પંચાયતની 1090માંથી 52 અને તાલુકા પંચાયતની 5234 પૈકીની અમુક બેઠકો બિનહરીફ થતા, બાકી રહેલી બેઠકો પર આજે રસાકસીભર્યો જંગ ખેલાશે.
 

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને AI ટેકનોલોજીનો ઉપયોગ

 
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે રાજ્ય પોલીસ વડાએ 'થ્રી લેયર સિક્યોરિટી એક્શન પ્લાન' અમલમાં મૂક્યો છે. સંવેદનશીલ મથકો પર વિશેષ નજર રાખવા માટે સીસીટીવી નેટવર્ક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે.
 
દિગ્ગજ નેતાઓનું મતદાન અને મહત્વના કેન્દ્રો
 
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરા ખાતે પરિવાર સાથે મતદાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજની પ્રાથમિક શાળામાં પોતાનો મતાધિકાર વાપરશે. આ ઉપરાંત, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સહિત રાજ્યના આશરે 30 જેટલા દિગ્ગજ નેતાઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મતદાન કરી જનતાને લોકશાહીના પર્વમાં જોડાવા પ્રેરિત કરશે.
 

કાળઝાળ ગરમી અને પક્ષો માટે પડકાર

 
ચૂંટણીના દિવસે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આ કાળઝાળ ગરમી વચ્ચે મતદારોને બૂથ સુધી લાવવા તે રાજકીય પક્ષો માટે મોટો પડકાર બની રહેશે. ગરમીની અસર મતદાનની ટકાવારી પર ન પડે તે માટે પક્ષો દ્વારા ખાસ આયોજન અને દોડધામ કરવામાં આવી રહી છે.
 

 ભાજપનો વિજય દાવો અને વિપક્ષના આક્ષેપો

 
ભાજપે દાવો કર્યો છે કે 700થી વધુ બેઠકો પર વિરોધ પક્ષોએ ફોર્મ પરત ખેંચતા તેઓ ચૂંટણી પહેલા જ વિજેતા બન્યા છે, જેના કારણે કડી, ઊના અને ગણદેવી જેવી નગરપાલિકાઓમાં ભાજપનું શાસન નક્કી છે. બીજી તરફ, વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ભાજપ સત્તાનો દુરુપયોગ, લાલચ અને પોલીસ કેસનો ડર બતાવીને ઉમેદવારોના ફોર્મ ખેંચાવી રહ્યું છે. આ તમામ ખેંચતાણ વચ્ચે 28 એપ્રિલે પરિણામો જાહેર થશે.
 

05:31 PM, 26th Apr

પાટણમાં મતદાન દરમિયાન દુઃખદ ઘટના, વૃદ્ધાનું હાર્ટ એટેકથી નિધન

પાટણની બી.એમ. સ્કૂલ ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર મતદાન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. 65 વર્ષીય કમળાબેન સોલંકી નામની વૃદ્ધા મતદાન કરવા માટે પહોંચી હતી, ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

માહિતી અનુસાર, મતદાન મથકે પહોંચતા જ તેઓ ઢળી પડ્યા હતા. ત્યાં હાજર મેડિકલ ટીમે તરત જ પ્રાથમિક સારવાર આપી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું દુર્ભાગ્યવશ નિધન થયું હતું.

આ ઘટનાથી મતદાન મથકે હાજર લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.


05:29 PM, 26th Apr

રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધી સરેરાશ 40% મતદાન, ગરમીની અસરથી બપોરે ઘટાડો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યભરમાં સાંજે 4 વાગ્યા સુધી સરેરાશ અંદાજે 40 ટકા મતદાન નોંધાયું છે. ભારે ગરમીને કારણે ખાસ કરીને બપોરના 12થી 4 વાગ્યા દરમિયાન મતદાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

વિવિધ સ્તરે મતદાન ટકાવારી:

  • મહાનગરપાલિકા: 40.79%
  • નગરપાલિકા: 48.65%
  • જિલ્લા પંચાયત: 51.99%
  • તાલુકા પંચાયત: 52.26%

ગરમીના પ્રભાવને કારણે ઘણા મતદારો બપોરના સમયે મતદાન મથક સુધી પહોંચવામાં ટાળમટોળ કરતા જોવા મળ્યા, જ્યારે સવાર અને સાંજના સમયમાં મતદાનમાં થોડો વધારો નોંધાયો હતો.


05:09 PM, 26th Apr


ગીરના જંગલમાં ગુંજ્યો લોકશાહીનો શંખનાદ

ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક વિસ્તારમાં લોકશાહીની અનોખી ઝલક જોવા મળી, જ્યાં સમગ્ર મતદાન કેન્દ્ર પર માત્ર એક જ મતદાર તરીકે હરિદાસ બાપુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જંગલના દુર્ગમ વિસ્તારમાં આવેલ આ મતદાન મથકે એકમાત્ર મતદાર તરીકે તેમની હાજરી લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સુવિધાઓના અભાવ અને જંગલી વિસ્તારમાં હોવા છતાં ચૂંટણી તંત્રએ મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ કરી. હરિદાસ બાપુએ મતદાન કરીને “એક મત પણ મહત્વનો છે” તે સંદેશ મજબૂત બનાવ્યો.


04:32 PM, 26th Apr
બનાસકાંઠા અને ગાંધીનગરમાં ગરમીનો મતદાન પર પ્રભાવ
 
બનાસકાંઠા જિલ્લામાં, ખાસ કરીને ડિસા નજીક આવેલા  વિસ્તારમાં બપોરના સમયે મતદાન મથકો સૂમસામ દેખાયા. તીવ્ર ગરમી અને શિખરે પહોંચેલી લગ્નની સીઝનને કારણે મતદારો ઘર બહાર નીકળતા સંકોચી રહ્યા હતા.
 
આ જ દ્રશ્ય Gandhinagar જિલ્લાના Balwa ગામમાં પણ જોવા મળ્યું. અહીં સવારના સમયે મતદાન કેન્દ્રો પર લાંબી લાઈનો જોવા મળી હતી, પરંતુ બપોરે ગરમી વધતા મતદારોની સંખ્યા ઘટીને થોડાક જ રહી ગઈ.
 
ચૂંટણી તંત્રને આશા છે કે સાંજના સમયે તાપમાન ઘટતા મતદારો ફરી મોટી સંખ્યામાં મતદાન માટે બહાર આવશે અને મતદાનનો ટકા વધશે.

01:18 PM, 26th Apr
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું


12:58 PM, 26th Apr

કચ્છમાં પણ અમદાવાદ જેવી અવ્યવસ્થા, મતદારોને બુથ શોધવામાં પડી મુશ્કેલી

અમદાવાદ બાદ હવે કચ્છ જિલ્લામાં પણ ચૂંટણી તંત્રની બેદરકારી સામે આવી છે. ભુજ શહેરમાં મતદારોને પોતાનો મતદાન બુથ શોધવા માટે ભારે હેરાનગતિ સહન કરવી પડી. સ્પષ્ટ અને યોગ્ય માહિતીના અભાવે મતદારોને અહીંથી ત્યાં ભટકવું પડ્યું. યાદીમાં નામ હોવા છતાં મતદાન મથક અંગે પૂરતી વિગતો ન મળતા મતદારોમાં નારાજગી જોવા મળી.


11:37 AM, 26th Apr
ગાંધીધામમાં સૌથી ઓછું 5.24% મતદાન, મહેસાણામાં સૌથી વધુ 24.35% મતદાન 
 
11 વાગ્યા સુધીના આંકડા અનુસાર ગાંધીધામમાં અત્યાર સુધી સૌથી ઓછું 5.24% મતદાન નોંધાયું છે. જ્યારે મહેસાણામાં સૌથી વધુ 24.35% મતદાન નોંધાયું છે. 
 
 
મહાનગરપાલિકાનું નામ મતદાનની ટકાવારી (%)
મહેસાણા 24.35%
નડીયાદ 23.41%
વાપી 23.28%
મોરબી 20.18%
કરમસદ-આણંદ 17.48%
વડોદરા 14.05%
રાજકોટ 13.94%
ભાવનગર 13.03%
જામનગર 11.68%
નવસારી 11.22%
સુરેન્દ્રનગર 11.08%
સુરત 10.84%
પોરબંદર 10.60%
અમદાવાદ 7.18%
ગાંધીધામ 5.24%

10:55 AM, 26th Apr
- છોટા ઉદેપુરના ધંધોડા ગામે બે દુલ્હન પીઠી લગાડી મતદાન કરવા પહોંચી

-બનાસકાંઠા જિલ્લામાં મતદાન પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસાના પેછડાલ ગામના રાહુલ માજીરાણાએ લગ્ન મંડપે પહોંચતા પહેલા મતદાન મથકે પહોંચી વોટ આપીને નાગરિક તરીકેની ફરજ બજાવી હતી

10:32 AM, 26th Apr
Jagdish Vishwakarma
Jagdish Vishwakarma

ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મતદાન કર્યું
ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલ, મતદાન મથક 26, ઠક્કરબાપાનગર ખાતે મતદાન કર્યું.

10:31 AM, 26th Apr
મહેસાણામાં ચૂંટણી બહિષ્કાર 
 
મહેસાણા જિલ્લાના દેલા ગામમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે મહાનગરપાલિકામાં સમાવેશ અને જમીન બચાવવા મુદ્દે અમે આ બહિષ્કાર કરી રહ્યા છીએ. બે કલાકથી મતદાન શરૂ થઇ ગયું છતાં હજુ કોઈ મતદાન કરવા આવ્યું નથી. 

10:26 AM, 26th Apr
આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં શરૂઆતી તબક્કે જ વિઘ્ન જોવા મળ્યું હતું. કરમસદની સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે ઈવીએમ (EVM) મશીનમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા અટકી પડી હતી

09:16 AM, 26th Apr
મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં આજે નગરપાલિકાનું સૌ પ્રથમવાર મતદાન યોજાઈ રહ્યું છે. અહીં 6 વોર્ડની 24 બેઠકો માટે 9,526 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

09:12 AM, 26th Apr
અંધારામાં મતદાન
ભરૂચ શહેરના ઈકરા બૂથ પર મતદાન દરમિયાન ટેકનિકલ મુશ્કેલી સર્જાઈ હતી. વીજળી ગુલ થઈ જવાને કારણે મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી, પરંતુ લોકશાહી પ્રત્યેની નિષ્ઠાને કારણે મતદારોએ મીણબત્તી અને ટોર્ચના પ્રકાશમાં પોતાનું મતદાન ચાલુ રાખ્યું હતું.

09:10 AM, 26th Apr
વરરાજા, કેનેડાથી આવેલા યુવાને પણ નીભાવી ફરજ
 
બનાસકાંઠાના થરાદમાં લોકશાહીની જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. થરાદના ભાચર ગામે એક વરરાજા લગ્નના મંડપે પહોંચતા પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાનો વોટ આપ્યો હતો.

07:58 AM, 26th Apr
- કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે મતદાન કર્યું
 
- પૂર્ણેશ મોદી ઢોલ-નગારા લઈ મતદાન મથકે પહોંચ્યા
વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતમાં અડાજણ સ્થિત શ્રી કંચનલાલ મામાવાલા મિશ્ર પ્રાથમિક શાળા ક્રમાંક 88 ખાતે પરંપરાગત ઢોલ-નગારાના નાદ સાથે ઉત્સાહભેર પહોંચીને પોતાનું મતદાન કર્યું હતું
 
- રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પત્ની અને પુત્ર સાથે મતદાન કર્યું

 
- મોરબીમાં પૂર્વ સાંસદ મોહન કુંડારીયાએ મતદાન કર્યું
મોરબીમાં પૂર્વ સાંસદ મોહન કુંડારીયાએ રવાપર રોડ નીલકંઠ વિદ્યાલયમાં મતદાન કર્યું છે


-  અમદાવાદમાં ગરમીથી બચવા લોકોએ સવારથી જ મતદાન મથક પહોચી રહ્યા છે અને ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે 

About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
LSG vs KKR IPL 2026 Highlights: IPL 2026: સુપર ઓવરમાં KKRની રોમાંચક જીત, રિંકુ સિંહ રહ્યો જીતનો અસલી હીરો