સોમવાર, 22 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (09:05 IST)

સ્થાનિક ચૂંટણીમાં બાપ-બેટાની ટક્કર, આ વોર્ડમાં પિતા અને પુત્ર આમને-સામને ચૂંટણી લડશે.

અમદાવાદ મહાનગર પાલિકાના વાસણા વોર્ડમાંથી આ વખતે પિતા-પુત્રની જોડી આમને-સામને ચૂંટણી લડશે. જ્યાં વિનુભાઇ ગોહિલે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. તો બીજી તરફ પુત્ર નિમેશ ગોહિલે આમ આદમી પાર્ટીમાં ટિકીટ મેળવી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. બંનેએ શનિવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. 
 
પિતા અને પુત્ર બંને પહેલીવાર ચૂંટણી લડવા જઇ રહ્યા છે. જોકે વિનુભાઇ બે દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. આ પહેલાં તે વોર્ડ મહામંત્રી હતા અને તાજેતરમાં જ પાર્ટી દ્રારા તેમને વોર્ડ પ્રમુખ નિમવામાં આવ્યા હતા. 
 
પુત્ર નિમેશે કહ્યું કે 'હું પહેલાં ક્યારેય કોઇ પાર્ટીમાં જોડાયો નથી. પરંતુ હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પ્રશંસક છું. દિલ્હીમાં તેમના દ્રારા કરવામાં આવેલા તમામ કામોને હું અમદાવાદમાં લાવવા માંગુ છું. મેં ટિકીટ માટે અરજી કરી અને ઇન્ટરવ્યુંમાં સિલેક્ટ થયો. 
 
AAP ના પ્રવક્તા તુલી બેનર્જીએ કહ્યું કે પાર્ટીને આ વાતથી બિલકુલ સમસ્યા નથી કે બંને પિતા પુત્ર એક જ સીટ માટે એકબીજા વિરૂદ્ધ ઉભા છે. અમે તેને એક સકારાત્મક દિશામાં લઇ જઇ રહ્યા છીએ. જોકે પિતા અને પુત્ર બંને એક જ સીટ પરથી એકબીજા વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. અમને આશા છે કે પુત્ર જ સીટ જીતશે. જોકે તુલી બેનર્જીની આ ટિપ્પણીથી વિનુભાઇ ગોહિલે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. 
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ 48 એએમસી વોર્ડ માટે 192 ઉમેદવારોની યાદી 4 ફેબ્રુઆરીએ જાહેર કરી હતી.