એશિયન બજારો મંદીની ઝપેટમાં

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (16:57 IST)

અમેરિકન પ્રતિનિધિ ગૃહે 700 અબજ ડોલરના બેલ આઉટ પેકેજને ફગાવી દેતા ડાઉજોન્સ કડડભુસ થઈ ગયું હતું. જ્યારે અન્ય એશિયન બજારો પણ મંદીમાં ગરકાવ થઈ ગયા હતાં.

કોંગ્રેસમાં બેલઆઉટ ફેકાઈ જતાં વોલસ્ટ્રીટમાં ઐતિહાસિક વેચવાલી જોવા મળી હતી. મતદાન થયાના મિનિટોમાં જ 500 પોઈંટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે ડાઉજોંસ ઈન્ડસ્ટ્રીયલ એવરેઝમાં 777 પોઈંટનો ઘટાડો નોંધાયો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હતો.

લેટિન અમેરિકન શેરોમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. છ કલાકનાં કારોબારમાં 1.2 ટ્રીલિયન ડોલરનું નુકસાન થયું હતું. પ્રતિનિધિગૃહે બેલ આઉટ પેકેજને 228 વિરૂદ્ધ 205 મતે ફગાવી દીધુ હતું. 11 મી સપ્ટેમ્બર 2001ના દિવસે અમેરિકામાં આતંકવાદી હુમલો થયા બાદ કારોબારના પ્રથમ દિવસે ડાઉજોન્સ ઈ ન્ડસ્ટ્રીયલમાં 684 પોઈંટનો ઘટાડો નોંધાયો હતો. આ ત્યારબાદનો સૌથી મોટો ઘટાડો છે.
રોકાણકારો આ અનિશ્ચિતતાને કારણે દહેશતમાં દેખાઈ રહ્યા છે. અમેરિકન બજારમાં એક પછી એક સમસ્યાઓ બહાર આવી રહી છે. જેના પગલે અમેરિકન શેર બજારમાં ભારે મંદી ચાલી રહી છે અને તેની અસર એશિયન શેરબજાર પર જોવા મળી રહી છે. ભારત સહીત જાપાન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, અને ફિલિપાઈંસના બજારો પણ તૂટ્યા હતાં.

જાપાનના વડાપ્રધાન તારોઅસોએ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા નાણાકિય અધિકારિઓને અનુરોધ કર્યો હતો, તથા વિશ્વના બીજા નંબરના અર્થતંત્રના રક્ષણ માટે પગલાં લેવા અપીલ કરી હતી.


આ પણ વાંચો :