શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (10:31 IST)

છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ એરપોર્ટના નફામાં ચાર ગણો ઘટાડો નોંધાયો

કોરોના વાયરસના સંક્રમણને લીધે એરપોર્ટ પર માત્ર સ્પેશિયલ સેવા જ ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ જ્યારથી દેશમાં અનલૉકની પ્રક્રિયા શરુ થઈ ત્યારથી ડોમેસ્ટિક ફ્લાઈટોને મંજુરી આપવામાં આવી હતી. હવે એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય થવા માંડી છે. ત્યારે દેશના જે એરપોર્ટ નાણાંકિય વર્ષ 2019-20માં સૌથી વધુ નફો કર્યો હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ એરપોર્ટનો નંબર છઠ્ઠા ક્રમે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદના એરપોર્ટના નફામાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે. 2017-18માં અમદાવાદ એરપોર્ટનો નફો 176 કરોડ રૂપિયા હતો. જેમાં ભારે ઘટાડો નોંધાતા 2019-20માં 45 કરોડ છે. 
અમદાવાદ એરપોર્ટના નફામાં છેલ્લા 3 વર્ષમાં ચાર ગણો ઘટાડો નોંધાયો
નાણાકીય વર્ષ 2019-20માં દેશના જે એરપોર્ટે સૌથી વધુ નફો કર્યો તેમાં કોલકાતા રૃપિયા 545.07 કરોડ સાથે મોખરે છે. આ સિવાય ગોવા એરપોર્ટને રૃપિયા 146.87 કરોડ, પૂણે એરપોર્ટને રૃપિયા 123.13 કરોડ કેલિકટ એરપોર્ટને રૃપિયા 69.14 કરોડ, ત્રિવેન્દ્રમ એરપોર્ટને રૃપિયા 64.41 કરોડને નફો થયો છે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટનો ક્રમ આવે છે.  અમદાવાદ એરપોર્ટના નફામાં છેલ્લા 3 વર્ષથી સતત ઘટાડો થતો આવ્યો છે. 2017-18માં રૃપિયા 176.86 કરોડ, 2018-19માં રૃપિયા 52.46 કરોડ જ્યારે 2019માં નફો ઘટીને રૃપિયા 45.71 કરોડ થયો છે. આમ, અમદાવાદ એરપોર્ટના નફામાં છેલ્લા 3 વર્ષમાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતના અન્ય એરપોર્ટની કમાણી
ગુજરાતમાંથી માત્ર અમદાવાદ એરપોર્ટ જ 2019-20માં નફો કરવામાં સફળ રહ્યું છે.જેમાં વડોદરા એરપોર્ટને સૌથી વધુ રૃપિયા 42.66 કરોડ, સુરત એરપોર્ટને રૃપિયા 27.48 કરોડ, રાજકોટ એરપોર્ટને રૃપિયા 24.63 કરોડને ખોટનો સામનો કરવો પડયો હતો. અમદાવાદ સિવાય ગુજરાતના તમામ એરપોર્ટે 2017-18 થી 2019-20 એમ સતત ત્રણ વર્ષ સુધી ખોટ ખાધી છે.
અમદાવાદ એરપોર્ટ કોરોના પહેલાં ધમધમતું હતું
કોરોના વાયરસે પગપેસારો કર્યો તે અગાઉ અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ દિન 235 ફ્લાઇટ અને 35 હજારથી વધુ મુસાફરોની અવર-જવર હતી. અમદાવાદ એરપોર્ટ નફો કરી રહેલા જૂજ એરપોર્ટમાં હોવા છતાં ખાનગી કંપનીને 50 વર્ષ માટે હસ્તગત કરી દેવાયું હતું.