1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (15:05 IST)

અમદાવાદીઓએ ગુરુપુષ્ય નક્ષત્રએ 100 કરોડના અંદાજ સામે રૂ.150 કરોડના સોનાની ખરીદી કરી

વર્ષ દરમિયાન કેટલાક મુહૂર્ત એવા આવે છે કે જેમાં સોનાની ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાય છે. આવો જ એક વિશિષ્ટ સંયોગ એટલે ગુરુ પુષ્ય નક્ષત્ર. ધનતેરસ અને દિવાળી પર્વ અગાઉ સોના ચાંદી અને ઘરવખરીની વસ્તુ ખરીદવા માટે ઉત્તમ ગણાતું પુષ્ય નક્ષત્ર છે. શહેરમાં ગુરુવારે સોનીઓના અંદાજ કરતા 50 ટકા સોનાનું વેચાણ વધારે થયું છે. વેપારીઓએ 100 કરોડના સોનાના વેચાણ મૂક્યો હતો પરંતુ લોકોએ 150 કરોડના સોનાની ખરીદી કરી હતી. જ્યારે ચાંદીનું 8થી 10 કરોડની વેચાણ થયું છે.કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી વેપાર ધંધા ન હોવાથી વેપારીઓ નવરા બેઠા હતા. જ્યારે આ વર્ષે વેપારીઓના આશા કરતા વધારે 50 ટકા વધારે સોનાનું વેચાણ થયું છે. શહેરમાં છેલ્લા બે વર્ષથી સોનાનું વેચાણ ખૂબ ઓછું થતું હતું પરંતુ આ વર્ષે દિવાળી અને લગ્નસરાની સિઝન હોવાથી લોકોએ સોના-ચાંદીની ધાર્યા કરતા વધારે ખરીદી કરી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર તેઓને દિવસ દરમિયાન ત્રણ વખત સ્ટોક મંગાવવો પડ્યો હતો. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે, શહેરમાં પહેલી વખત સોનાની ખરીદી માટે યંગસ્ટરોનો ધસારો જોવા મળ્યો છે. આ ઉપરાંત લોકોએ હોલમાર્ક અંગે વધારે પ્રશ્નો કર્યા છે. લોકો હોલમાર્ક અંગે સજાગ થયા છે અને બીઆઇએસના માર્કાવાળા દાગીના લઇ રહ્યાં છે. સોનાની સાથે આ વખતે ચાંદીની જ્વેલરીનું વેચાણ ખૂબ સારું થયું છે. અમદાવાદમાં અંદાજે રૂ. 8થી 10 કરોડની ચાંદીનું વેચાણ થયું છે.અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ નિશાંત સોનીએ જણાવ્યું હતું કે, ​​​​​​​શહેરમાં ધાર્યા કરતા વધારે સોનાનું વેચાણ થયું છે. લોકોએ આ વખતે વધારે લગડીની ખરીદી વધારે કરી છે. એક અંદાજ પ્રમાણે 60 ટકા સોનાની લગડી અને 40 ટકા જ્વેલરીની ખરીદી કરી છે. અમદાવાદમાં ગુરુવારે અંદાજ પ્રમાણે 100 કરોડ રૂપિયાના સોનાનું વેચાણ થવાની આશા હતી. જેની સામે અંદાજે 150 કરોડના સોનાનું વેચાણ થયું છે. દિવાળીની પર્વમાળાની ઉજવણીના દિવસો નજીક આવતાં જ કપડાં અને સોની બજારોમાં તેજીના અણસાર મળી રહ્યાં છે. તો દિવાળીની પરંપરા એવા ચોપડા બજારમાં તેજી આવી છે. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે શહેરમાં 4થી 5 કરોડના ચોપડાઓનું વેચાણ થયાનું આબાદ બુક સેલર એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ મેઘલ શાહે જણાવ્યું હતું. દરેક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે ત્યારે કાગળના ભાવમાં 25થી 30 ટકા જેટલો વધારો થયો છે.