શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (11:23 IST)

2021ના બજેટની અસરથી સ્ક્રેપ પોલિસી હેઠળ અમદાવાદ શહેરનાં 19 લાખ વાહનો ભંગાર થશે

બજેટમાં 20 વર્ષ જૂનાં ખાનગી અને 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે, જે અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે જૂના કોમર્શિયલ 4.50 લાખ, ખાનગી 14.50 લાખ મળી 19 લાખ વાહન સ્ક્રેપમાં જશે. અમદાવાદ વાહન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રણવ પટેલે કહ્યું કે, 15 અને 20 વર્ષ જૂનાં વાહનોની સ્ક્રેપ પોલિસીથી સામાન્ય જનતા ઉપરાંત વાહન ડીલરોને પણ ફાયદો થશે. જૂનાં વાહનો વેચી નવા વાહન ખરીદવા માગતા લોકોને સરકારે 30 ટકા સુધીની રાહત આપવાનું આયોજન છે. વિકસિત દેશોમાં આ પોલિસી કાર્યરત છે. વાહનોનાં વેચાણમાં પણ વૃદ્ધિ થશે. નવી નોકરીઓ માટે જગ્યા ઊભી થશે. જ્યારે વાહનવ્યવહાર એસોસિએશનના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, સરકાર દ્વારા 1-4-1987થી વાહન પર લાઇફ ટાઇમ ટેક્સ લેવાય છે. હવે નવી સ્ક્રેપ પોલિસી હેઠળ પ્રતિવર્ષ 15 હજાર રૂપિયા ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ખર્ચ કરવો પડશે. જ્યારે કોમર્શિયલ વાહનોને દર છ મહિને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા વધુ નાણાં ખર્ચ કરવા પડે તેવી સ્થિતિ સર્જાશે. આવી સ્થિતિમાં સંબંધિત વાહનમાલિકો 15 અને 20 વર્ષ જૂનાં વાહનો વેચવા મજબૂર થઈ જશે. સ્ક્રેપ પોલિસીથી સરકારને ફાયદો છે. જ્યારે સામાન્ય અને ગરીબ લોકોનો ખર્ચ વધશે. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર ફેરફાર કરી હાલ રાહત આપે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.