દિવાળી ટાણે મોંઘવારીનો માર: અમદાવાદમાં અદાણી CNGના ભાવ ₹100 ને પાર, પ્રતિ કિલો ₹2.30 નો વધારો
CNG Price Hike
દિવાળીના તહેવાર પહેલા અમદાવાદના વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.2.30 નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવવધારા સાથે અમદાવાદમાં અદાણી CNGનો દર રૂ.100.77 પ્રતિ કિલો પહોંચી ગયો છે, એટલે કે હવે CNGની કિંમતે ઐતિહાસિક ₹100 ની સપાટી વટાવી દીધી છે.
પખવાડિયાના ગાળામાં જ ફરી ભાવ વધારાયા
અદાણી CNGનો અગાઉનો ભાવ રૂ.98.47 પ્રતિ કિલો હતો, જેમાં રૂ.2.30 નો વધારો થતાં નવો ભાવ રૂ.100.77 પ્રતિ કિલો થયો છે. અગાઉ 23 ઓક્ટોબરે પણ ભાવ વધારાનો ઝટકો મળ્યો હતો, ત્યારે ટૂંકા સમયમાં ફરી થયેલા આ વધારાના કારણે વાહનચાલકોના દૈનિક ઇંધણ ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે.
સામાન્ય જનતા અને રોજિંદા મુસાફરો પર સીધી અસર
તહેવારોના સમયે થયેલા આ ભાવવધારાની સીધી અસર ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા નોકરિયાતો, વેપારીઓ તેમજ ઓટોરિક્ષા અને ટેક્સીચાલકો પર પડશે. ઇંધણના દરો વધતાં પરિવહન ખર્ચ વધશે, જેને પગલે આગામી સમયમાં રિક્ષા અને ટેક્સી ભાડાંમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

