રામવાડીમાં આગ બાદ કારના CNG સિલિન્ડરમાં જોરદાર ધડાકો: બ્લાસ્ટની ઝપેટમાં આવતા અનેક લોકો ઇજાગ્રસ્ત
car blast
વડોદરાના રામવાડી વિસ્તારમાં મોડી રાત્રે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. શરૂઆતમાં આગ સામાન્ય હોવાનું માનીને આસપાસના લોકો તેને જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા, પરંતુ થોડી જ ક્ષણોમાં કારમાં રહેલા CNG સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થતાં માહોલ ભયાનક બની ગયો હતો. આ વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસનાં મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા અને ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.
કૂતુહલવશ એકઠા થયેલા લોકો બ્લાસ્ટની ઝપેટમાં આવતાં નાસભાગ મચી
કારમાં લાગેલી આગ અને ત્યારબાદ થયેલા અચાનક વિસ્ફોટને કારણે ઘટનાસ્થળે ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના જોવા માટે ઉભેલા કેટલાક લોકો પણ બ્લાસ્ટની ઝપેટમાં આવી જતાં ૫થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર, લોકો કંઈ સમજે તે પહેલાં જ ધડાકો થયો હતો, જેના પગલે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક રામવાડી ખાતે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી ભયાનક આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આગળની કાયદેસરની તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

