શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (15:50 IST)

અમેરિકન કાર કંપની ફોર્ડ ઈન્ડિયાએ ગુજરાતમાં સાણંદ પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કર્યું, સાણંદમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રાખશે

અમેરિકન કાર કંપની ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની પોતાનું ઇન્ડિયા ઓપરેશન ધીમે ધીમે ઘટાડી રહી છે અને કંપનીએ ગુજરાતના સાણંદમાં આવેલા તેના પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ અંગે કંપનીએ તેના કર્મચારીઓને પણ જાણ કરી છે. કંપની સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફોર્ડ સાણંદમાં હવે કારનું ઉત્પાદન કરશે નહીં.

ફોર્ડ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં સાણંદ ખાતે 2015માં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો.ફોર્ડના ગુજરાતનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપની સાણંદમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રાખશે અને અહીંથી એન્જિનની નિકાસ પણ કરવામાં આવશે. કંપનીનો ભારતમાં આ બીજો પ્લાન્ટ છે. ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની સ્થાપિત ઉત્પાદનક્ષમતા સામે વર્તમાન ઉત્પાદન 30,000-40,000 કારનું છે, એટલે કે પ્લાન્ટનું યુટિલાઈઝેશન તેની ક્ષમતથી ઘણું જ નીચું છે. હાલ આ પ્લાન્ટમાં 3,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે.ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અને તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે. પરંતુ ફોર્ડની કારનું વેચાણ બહુ ખાસ રહ્યું નથી.

વર્ષ 2018-19માં ભારતમાં તેની કુલ 92,937 ગાડીઓનું વેંચાણ થયું હતું. તેની સામે વર્ષ 2020-21માં 41,875 કારનું વેચાણ થયું હતું. હાલમાં તેનો બજાર હિસ્સો 2%થી પણ ઓછો છે. તેની સામે ફોર્ડની સાથે જ ભારતીય બજારમાં પ્રવેશનારી હ્યુન્ડાઈનો બજાર હિસ્સો હાલમાં 18% જેટલો છે.ફોર્ડે 2019માં ગુજરાતમાં સાણંદ સ્થિત પોતાના પ્લાન્ટને લઇ ને ભારતીય કાર ઉત્પાદક મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર સાથે જોડાણ કર્યું હતું. બંને કંપનીઓ મળીને કારના નવા મોડેલ ડેવલપ કરવા માટે કરાર કર્યા હતા. જોકે થોડા સમય બાદ આ ટાઇઅપમાં કોઈ ડેવલપમેન્ટ થયું ન હતું અને બંને કંપનીઓ આપસી સહમતીથી અલગ થઈ હતી. કરાર મુજબ મહિન્દ્રાની ગાડી ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં બનવાની હતી.