ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2022 (16:51 IST)

એચડીએફસી બેંકની આ સ્કીમ મહિલા એથલીટ્સને થશે મદદરૂપ, જાણીને તમે પણ કરશો સેલ્યૂટ

hdfc
એચડીએફસી બેંક અને ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશને ભેગા મળીને આજે મહિલા એથલીટ્સ અને કૉચ માટે ‘અનસ્ટોપેબલ - કર કે દિખાઉંગી’ નામનો એક સ્કૉલરશિપ પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે, જેને બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. તમામ સામાજિક પહેલ માટે એચડીએફસી બેંકની અમ્બ્રેલા બ્રાન્ડ પરિવર્તન હેઠળનો આ પ્રોગ્રામ સમગ્ર દેશમાંથી પ્રતિભાશાળી મહિલા એથલીટ્સને ઓળખી કાઢશે અને રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ હાંસલ કરવાના તેમના પ્રયત્નોને સમર્થન પૂરું પાડશે.
 
ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા પરિકલ્પના કરવામાં આવેલી આ પહેલ ભારતમાં રમતગમતના ક્ષેત્રની મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ ફાઉન્ડેશન 3 વર્ષ માટે એક્સક્લુસિવ પાર્ટનર તરીકે એચડીએફસી બેંકની સાથે ભેગા મળી આ પ્રોગ્રામનું સંવર્ધન અને અમલીકરણ કરશે.
 
ભારતની મહિલા રમતવીરોએ અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે, જેમ કે, યોગ્ય આંતરમાળખાંનો અભાવ, પૂરતું નાણાકીય વળતર પ્રાપ્ત ન થવું, બંધનરૂપ રૂઢિવાદી નીતિનિયમો વગેરે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય આ પડકારોને દૂર કરવાનો છે. તેમની સ્પર્ધા અને પ્રવાસ, તાલીમ, ઉપકરણો, કૉચિંગ તથા રમતગમત અને વિજ્ઞાન સંબંધિત જરૂરિયાતો માટે સપોર્ટ પૂરો પાડવાની સાથે-સાથે આ પ્રોગ્રામ નવી મહિલા ચેમ્પિયન્સ તથા સમાજ માટે પ્રેરણાસ્રોતોનું નિર્માણ કરી ભારતીય સ્પોર્ટ્સમાં સમાનતા અને સમાવેશીતાને વધારવાની દિશામાં પણ કામ કરશે.
 
આ પ્રોગ્રામ હેઠળ ઑલિમ્પિક, પેરાઑલિમ્પિક, વિન્ટર ગેમ્સ અને મોટરસ્પોર્ટ્સ જેવી સ્પોર્ટિંગ ડિસિપ્લિન્સમાંથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના પાત્ર એથલીટ્સ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય વિવિધ રમતગમતના પાત્ર એથલીટ્સ તેમની શ્રેષ્ઠ ક્ષમતાને પામી શકે તે માટે તેમને મદદરૂપ થવાનો છે.
 
આ પ્રકારના પાત્ર એથલીટ્સ 24 મેથી 24 જૂન, 2022 દરમિયાન અરજી કરી શકે છે. પસંદગી પામેલા એથલીટ્સને આંતરિક મૂલ્યાંકન માટે બોલાવવામાં આવશે અને આગામી તબક્કા માટે તેમની પસંદગી કરવામાં આવશે. આ મૂલ્યાંકનમાં કૉચ અને નિષ્ણાતોના પ્રતિભાવો, ઇન્ટરવ્યૂનો રાઉન્ડ અને ડ્યૂ ડિલિજેન્સનો સમાવેશ થાય છે. એથલીટ્સ માટેની પસંદગીની પ્રક્રિયામાં લગભગ 100 દિવસનો સમય લાગશે.
 
આખરે 20 એથલીટ્સને સ્કૉલરશિપ પૂરી પાડવામાં આવશે તથા તેમની કારકિર્દી દરમિયાન રમતગમતના ક્ષેત્રમાં તેમની પ્રગતિયાત્રા તથા મહત્ત્વના પડાવો પર તેમને સાર્વત્રિક સપોર્ટ પણ પૂરો પાડવામાં આવશે. આ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડમાં શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ટોચના 100 એથલીટ્સ સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ સંબંધિત વિષયો પર યોજાતી શૈક્ષણિક વર્કશૉપ્સમાં ભાગ લઈ શકશે.
 
આ પ્રોગ્રામના બીજા તબક્કામાં કૉચ પણ અરજી કરી શકશે તેમજ વાર્ષિક સ્કૉલરશિપ માટે પણ અરજી કરી શકાશે. એથલીટ્સની જેમ જ કૉચને પણ તેમના વૃદ્ધિ અને વિકાસ માટે નાણાકીય અને બિન-નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
 
આ પ્રોગ્રામ હેઠળ સરેરાશ એક એથલીટને વાર્ષિક રૂપિયા 5-10 લાખની વચ્ચે સ્કૉલરશિપ પૂરી પાડવામાં આવશે અને કૉચને રૂ. 5 લાખની આસપાસની સ્કૉલરશિપ આપવામાં આવશે. 
 
એચડીએફસી બેંકના સીએસઆર, બિઝનેસ ફાઇનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રૂપ હેડઆશિમા ભટ્ટે જણાવ્યું હતું કે, ‘સામાજિક રીતે જવાબદાર કૉર્પોરેટ નાગરિક તરીકે અમે દેશમાં રમતગમતના ક્ષેત્રની પ્રતિભાઓનું સંવર્ધન કરવામાં અમારી ભૂમિકા ભજવવા માંગીએ છીએ. સ્પોર્ટ્સ એ આપણા દેશના યુવાનોના સાર્વત્રિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આવા પ્રતિભાશાળી એથલીટ્સને સપોર્ટ પૂરો પાડનારા યોગ્ય સંસાધનો અને આંતરમાળખાંના અભાવને કારણે ઘણાં એથલીટ્સ પોતાની વિકાસયાત્રાને ઘણી વહેલી અધૂરી છોડી દેતા હોય છે. 
 
આ પ્રોગ્રામની રચના આ પ્રકારના અંતરાલો અને અંતરાયોને દૂર કરવા માટે થઈ છે, જેથી કરીને આપણા એથલીટ્સ અને કૉચ તેમની ડિસિપ્લિનમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે. આવા પ્રતિભાશાળી એથલીટ્સને શોધી કાઢવા તથા તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે તેમને મદદરૂપ થવું એ જ અમારો પ્રયત્ન છે.’
 
એચડીએફસી બેંકના સીએસઆર હેડ નુસરત પઠાને જણાવ્યું હતું કે, ‘અમારો પ્રમુખ સીએસઆર પ્રોગ્રામ #Parivartan સમાજમાં સારપ લાવવા માટે એક ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. એથલીટ્સે આંતરમાળખાકીય સુવિધાઓના પડકારોનો તો સામનો કરવો જ પડે છે પરંતુ રમતગમતના ક્ષેત્રની મહિલાઓએ સામાજિક અને સાંસ્કૃતિક રૂઢિવાદી જડ વલણોના વધારાના ભારણ સામે પણ લડત આપવી પડે છે. અમે આ ક્ષેત્રમાં વધુ સમાનતા અને સમાવેશીતા લાવવા માટે ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશનની સાથે સહભાગીદારી કરીને ખુબ ખુશ છીએ. આ બાબત અમારા પરિવર્તન પ્રોગ્રામના કેટલાક વ્યાપક વ્યૂહાત્મક લક્ષાંકો સાથે સુસંગત છે.’
 
ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન એ ભારતમાં રમતગમતની અનેકવિધ ડિસિપ્લિનમાં ભાગ લેનારા ઉભરી રહેલા સૌથી પ્રતિભાશાળી અને સર્વોત્કૃષ્ટ એથલીટ્સના વિકાસની દિશામાં કામ કરતું નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ (રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર) વિજેતા નોટ-ફૉર-પ્રોફિટ ટ્રસ્ટ છે, જેની સ્થાપના વર્ષ 2008માં થઈ હતી. આમ આ ટ્રસ્ટ અત્યાર સુધીમાં રિયો અને ટોક્યો ઑલિમ્પિક્સ તથા પેરાઑલિમ્પિક્સમાં 10 પેરાઑલિમ્પિક મેડલવિજેતા એથલીટ્સ સહિત 16 ઑલિમ્પિયન અને 27 પેરાઑલિમ્પિયનને સહાયરૂપ થઈ ચૂક્યું છે.
 
ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સીઇઓ દીપ્તી બોપૈયાએ આ સ્કૉલરશિપના લૉન્ચ દરમિયાન જણાવ્યું હતું કે, ‘છેલ્લાં કેટલાક દાયકાઓમાં રમતગમતના ક્ષેત્રની મહિલા ચેમ્પિયનોએ અનેક વિશિષ્ટ સીમાચિહ્નો હાંસલ કરી ઇતિહાસ રચ્યો છે તથા રૂઢિયોને બદલવામાં, અવરોધોને દૂર કરવામાં તથા રમતગમત મારફતે સમાજને પ્રેરિત કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન ખાતે અમે ભાગ્યશાળી છીએ કે અમને છેલ્લાં 13 વર્ષમાં આવી અનેક મહિલા એથલીટ્સની વિકાસયાત્રાનો હિસ્સો બનવાનો મોકો મળ્યો, જેમ કે, ભવાની દેવી, દિપા કરમાકર, અવની લેખરા અને તેમના જેવા બીજા અનેક ચેમ્પિયન્સ. રમતગમતના ક્ષેત્રમાં યુવાન છોકરીઓ અને મહિલાઓ માટેના એક વિશિષ્ટ કાર્યક્રમને લૉન્ચ કરવા એચડીએફસી બેંકનો સાથ મેળવીને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ, જેમાં અમારું ધ્યાન આ એથલીટ્સની સંબંધિત વિકાસયાત્રામાં તેમનો એકંદર વિકાસ કરવા પર કેન્દ્રીત છે. અમે આ પ્રોગ્રામની શરૂઆત કરીને ખૂબ જ ખુશ છીએ અને અમને આશા છે કે અમે આવા અનેક ઇતિહાસના પાયાનો પથ્થર બની રહીશું.’
 
આ પ્રોગ્રામમાં કેટલાક મહત્ત્વના પાસાંઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે કે, જેમ કે, માસિક આરોગ્ય અને સ્વચ્છતા, માનસિક આરોગ્ય તથા રમતગમતના ક્ષેત્રની મહિલાઓ રીલેક્સ થઈ શકે અને તરોતાજા થઈ શકે તે માટે તેમના માટેની અલાયદી સલામત જગ્યાઓ ઊભી કરવી તથા ભારતની રમતગમતની ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવા સંશોધન, પહોંચ અને હિમાયત મારફતે પ્રીવેન્શન ઑફ સેક્સુઅલ હેરેસમેન્ટ (પીઓએસએચ) એટલે કે જાતીય સતામણીને નિવારવી અને રમતગમતના ક્ષેત્રની મહિલાઓ આ ક્ષેત્ર અંગે બીજો કોઈ વિચાર કર્યા વગર ઉભરી શકે અને પોતાના દમ પર પ્રગતિના માર્ગે આગળ વધી શકે તે માટે તેમનું સશક્તિકરણ કરવું.