આવકવેરા ખાતાએ રાજ્યમાંથી 29764 કરોડના બિનહિસાબી નાણાંકીય વ્યવહારો ઝડપ્યા
આવકવેરા ખાતાએ 2018-19ના નાણાકીય વર્ષમાં 29764 કરોડની બિનહિસાબી નાણાંકીય વ્યવહારો પકડી પાડયા હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે. 2017-18ના નાણાંકીય વર્ષના 3755 કરોડના બિનહિસાબી વ્યવહારોની સરખામણીએ આ આંકડો આઠ ગણો થવા જાય છે. કરચોરી પકડવા માટેના શ્રેણીબદ્ધ પગલાની અસરે આટલી મોટી બિનહિસાબી આવકનો પર્દાફાશ થઈ શકયો છે. આવકવેરા વિભાગના સીનીયર અધિકારીએ નામ નહીં દેવાની શરતે કહ્યું હતું કે ગુજરાતમાં આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગે જ અનેકવિધ સર્ચ-સર્વે ઓપરેશનનો દરમ્યાન 19879.83 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડી પાડયા હતા. વિભાગના અન્ય સર્વેમાં 1987.8 કરોડ તથા આંતરિક ઈન્ટેલીજન્સની તપાસના આધારે 7835 કરોડની બિનહિસાબી આવક પકડી પાડવામાં આવી હતી. કરચોરી પકડવા માટે આવકવેરા ખાતાએ આખુ વર્ષ સર્ચ-સર્વે ઓપરેશન કર્યા હતા. 2017-18ના 3795 કરોડની સરખામણીએ આંકડો 3.92 કરોડ થવા જાય છે. સમગ્ર ગુજરાતમાં 29764 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા તેમાં સૌથી વધુ 18262.43 કરોડ માત્ર અમદાવાદ ઝોનમાંથી પકડાયા હતા તે પૈકી 1948.42 કરોડમાં કરચોરોએ કબુલાત પણ કરી દીધી હતી. 59.83 કરોડની સંપતિ જપ્ત કરવામં આવી હતી. અમદાવાદ બાદ સુરતમાંથી 1617.40 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા હતા.