કોઈ પણ સંજોગોમાં 1લી જુલાઈથી GST લાગુ થશે- હસમુખ અઢીયા

GST
Last Updated: શનિવાર, 6 મે 2017 (17:23 IST)

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જીએસટી અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશમાં નોટબંધીમાં નિર્ણાયક ભૂમિકાથી બજાવવા બદલ જાણીતા બનેલા રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયા મુખ્ય મહેમાન અને વક્તા હતાં. આ સેમિનારમાં જીએસટી અને તેનાથી થનારા લાભો વિષે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ જણાવ્યું હતું કે, હવે તમામ અડચણો દૂર થઈ ગઈ છે. અને આગામી 1 જુલાઈથી જીએસટી કોઈ પણ સંજોગોમાં લાગુ કરી દેવામાં આવશે.

જીએસટી બિલને લઈને વેપારીઓને મુંજવતાં સવાલોના બને તેટલી બારીકાઈથી તેઓએ જવાબો આપ્યાં હતાં. નોટબંધીમાં મહત્વનું યોગદાન આપનારા દેશના રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢીયાએ સુરતમાં જીએસટી અંગે સ્પષ્ટતા કરી હતી. અને જણાવ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં પહેલી જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવશે. તેમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. સાથે જ અઢીયાએ જીએસટી અંગે વેપારીઓને મુંઝવતાં પ્રશ્નોના વિગતે જવાબો આપ્યાં હતાં. સુરતી વેપારીઓએ માંગ કરી હતી કે, 1 જાન્યુઆરી સુધી કાપડ ઈન્ડસ્ટ્રીઝને છૂટ આપવામાં આવે. પરંતુ રેવન્યુ સેક્રેટરીએ કહ્યું હતું કે, 15 સપ્ટેમ્બર 2016થી આ નિયમ બનાવવામાં આવ્યો છે. અને હવે 15 સપ્ટેમ્બર 2017 અગાઉ આ જીએસટી લાગુ કરવું ફરજીયાત છે. કારણ કે, એક્સાઈઝ અને વેટ જુલાઈ બાદ અમલમાં નહીં રહે ત્યારે બાકીના ત્રણ મહિનાનું શું એટલે ગમે તે સંજોગોમાં 1 જુલાઈથી જીએસટી લાગુ થશે અને તેમાં કોઈ બાંધ છોડ નહીં કરવામાં આવે.


આ પણ વાંચો :