ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 17 માર્ચ 2018 (12:21 IST)

અમદાવાદ એરપોર્ટ ૧૫ વર્ષ માટે ખાનગી કંપનીને સોંપાશે

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયાનો પ્રારંભ ૨૦૧૩માં થયો હતો પરંતુ પાંચ વર્ષ બાદ પણ આ ગૂંચનો છેડો મળી શક્યો હોય તેમ જણાતું નથી. અમદાવાદ એરપોર્ટના ઓપરેશન્સ-મેઇન્ટેનન્સનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા ફરી એકવાર લંબાવાઇને ૧૦ એપ્રિલ કરવામાં આવી છે. ખાનગીકરણ માટે બીડ રજૂ કરવાની તારીખ લંબાવવામાં આવી હોય તેવું છેલ્લા પાંચ વર્ષમાં ૧૨થી વધુ વખત બની ચૂક્યું છે. આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, 'એરપોર્ટના ખાનગીકરણમાં રસ ધરાવતા બિડર્સને કેટલાક મુદ્દાઓને લઇને સવાલો હતા.

આ સવાલના સંતોષકારક ઉકેલ માટે ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ એગ્રિમેન્ટના ડ્રાફ્ટમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે.' સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટનું ઓપરેશન્સ-મેઇન્ટેનન્સ હવે ૧૦ને સ્થાને ૧૫ વર્ષ માટે ખાનગી કંપનીને સોંપાશે. ખાનગીકરણની મુદ્દતમાં વધારો થતાં હવે વધુ કંપનીઓ રસ દાખવી શકે છે. બિડર્સને જે બાબતમાં સૌથી વધુ સવાલ સતાવતો હતો તેમાં પ્રદર્શન આધારીત નાણાકીય વળતર, કેપિટલ એક્સપેન્ડિચર, માલિકીનું માળખું કેવું રહેશે તેનો સમાવેશ થાય છે. આ વર્ષના અંત સુધીમાં અમદાવાદ એરપોર્ટનું ઓપરેશન્સ-મેઇન્ટેનન્સ ખાનગી કંપીનીને સોંપી દેવાય તેની પૂરી સંભાવના છે.