ગુરુવાર, 10 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 એપ્રિલ 2025 (10:50 IST)

ભારતનાં શૅરબજારોમાં આવેલી તબાહી પાછળ કારણ શુ ? જાણો દુનિયાના બજારોની સ્થિતિ?

stock market
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની દુનિયાભરનાં શૅરબજારો પર અસર યથાવત્ છે. સોમવારે એશિયાનાં શૅરબજારોમાં ભયંકર પ્રકારે ઘટાડો જોવા મળ્યો.
 
ભારતના બીએસઈનો સેન્સેક્સ જ્યારે બજાર ખુલ્યું ત્યારે લગભગ 3000 અંક તૂટ્યો હતો જ્યારે કે એનએસઈનો નિફ્ટી લગભગ 1000 અંક તૂટ્યો હતો.
 
જાપાનના સૂચકાંક નિક્કેઈમાં બજાર ખુલતાંની સાથે જ 225 અંકોનો ઘટાડો નોંધાયો. એક કલાક બાદ બજાર 7.1 ટકા સુધી નીચે હતું.
 
દક્ષિણ કોરિયામાં પણ શૅરબજારના કોસ્પી સૂચકાંકમાં સાડા પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો. ઑસ્ટ્રેલિયાનાં બજારો પણ ગગડ્યાં હતાં.
 
હૉંગ-કૉંગનો હૅંગ-સૅંગ ઇન્ડેક્સમાં 9 ટકા જેટલો ઘટાડો થયો હતો.
 
ચીનના શાંઘાઈનું શૅરબજાર પણ છ ટકા જેટલું તૂટ્યું હતું.

રોકાણકારોની સંપત્તિમાં 20 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો
 
શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં લગભગ 20 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. શુક્રવાર, 4 એપ્રિલના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ 404 લાખ કરોડ રૂપિયા હતું, જે સોમવારે સવારે 10 વાગ્યે ઘટીને લગભગ 383 લાખ કરોડ રૂપિયા થઈ ગયું.
 
હોંગકોંગનો હેંગસેંગ 10% ઘટ્યો, ચીની ઇન્ડેક્સ પણ 6.50% ઘટ્યો
 
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 6%, કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 4.50%, ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 6.50% ઘટ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 10% ઘટ્યો છે.
 
NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ટ્રેડ થતો નિફ્ટી લગભગ 800 પોઈન્ટ (3.60%) ઘટીને 22180 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
 
3 એપ્રિલના રોજ અમેરિકાનો ડાઉ જોન્સ 3.98% ઘટીને 40,545 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 4.84% ઘટ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 5.97% ઘટ્યો.
 
નાણાકીય વિવેચક જીમ ક્રેમરે 1987 જેવો 'બ્લેક મન્ડે' આવવાની આગાહી કરી છે. ક્રેમરે કહ્યું કે આજે યુએસ માર્કેટ 22% ઘટી શકે છે.


શેરમાર્કેટમાં મચેલી તબાહી પાછળના કારણો 
 
અમેરિકી રાષ્ટ્રપતિએ લાદેલો ટેરિફ : અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત ઉપરાંત, ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે.
 
ચીન દ્વારા અમેરિકા પર લદાયેલ જવાબી ટેરિફ: ચીને શુક્રવારે અમેરિકા પર 34% બદલો ટેરિફ લાદવાની જાહેરાત કરી. નવો ટેરિફ 10 એપ્રિલથી અમલમાં આવશે. બે દિવસ પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વભરમાં ટિટ ફોર ટેટ ટેરિફ લાદ્યા હતા. આમાં, ચીન પર 34% નો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો. હવે ચીને અમેરિકા પર પણ આ જ ટેરિફ લાદ્યો છે.
 
ચારેબાજુ મંદીથી ઘેરાયેલ માર્કેટની ચિંતા : જો ટેરિફને કારણે માલ મોંઘો થશે, તો લોકો ઓછી ખરીદી કરશે, જે અર્થતંત્રને ધીમું કરી શકે છે. આ ઉપરાંત ઓછી માંગને કારણે, ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ નબળી આર્થિક પ્રવૃત્તિનો સંકેત છે. આનાથી રોકાણકારોનો વિશ્વાસ ડગી ગયો છે.