સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (15:24 IST)

મહામારી પછીનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો અમદાવાદમાં શરૂ, ટુરિઝમ બઝારને મળશે વેગ

કોરોના બાદ અમદાવાદમાં સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શોનું આયોજન, 3 દેશો, 22 રાજ્યો થયા સહભાગી
 
મહામારી પછીના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો - ટીટીએફ અમદાવાદનો પ્રારંભ થયો છે. આ 3 દિવસીય શો 3 દેશો, 22 ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 700 થી વધુ સહભાગીઓ સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને મહામારી પછી ફરીથી સુસ્થાપિત કરવાનું મંચ છે. દાયકાઓથી, ટીટીએફને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના સમારંભો, નેટવર્ક અને બિઝનેસ કરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ ગણવામાં આવે છે. રોગચાળા પછીના પરિણામોને પાછળ છોડીને ભારતમાં મુસાફરી અને પર્યટનના મજબૂત પુનરાગમન માટે અને પ્રવાસન ઉદ્યોગ માટે વધુ મહત્વ ધરાવે છે.
 
આ શોને જે પ્રતિભાવ મળ્યો છે તેને નિર્દેશ ગણવામાં આવે, તો 2022-2023ના આવનારા મહિનાઓમાં સમગ્ર ભારતમાં પ્રવાસ અને પર્યટનમાં તેજીની વૃદ્ધિ જોવા મળે તેવી અપેક્ષા છે, કારણ કે ભારતીય સ્થાનિક પ્રવાસ બજાર વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્થિતિસ્થાપક બજારોમાંનું એક છે. ભારતમાંથી આંતરરાષ્ટ્રીય મુસાફરીની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે, જોકે ઘણા વિદેશી દેશો માટે વિઝા પ્રક્રિયામાં વિલંબ થાય છે.
 
2022માં જ 68% ભારતીયો સ્થાનિક મુસાફરી કરે તેવી અપેક્ષા સાથે, સ્થાનિક પ્રવાસન બેશક દેશના અર્થતંત્રમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. અહેવાલો અનુસાર, જાન્યુઆરી-જૂન 2022 દરમિયાન ડોમેસ્ટીક હવાઈ મુસાફરોનો ટ્રાફિક લગભગ 67 ટકા (વર્ષ-દર-વર્ષ) વધીને 5.72 કરોડ થયો છે.
 
ગુજરાતનો સમાવેશ અત્યંત મૂલ્યવાન બજારો અને સ્થળોમાં થાય છે. અહેવાલો અનુસાર, ગુજરાતના જીડીપીમાં પ્રવાસનનું યોગદાન વર્ષ 2022માં રાજ્યના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આશરે 10.2 ટકા હોવાનો અંદાજ હતો, જે 2015માં લગભગ પાંચ ટકા હતો. આ વૃદ્ધિમાં ખાસ કરીને અમદાવાદનો નોંધપાત્ર ફાળો છે.
 
પ્રવાસીઓના ફરીથી આગમનને કારણે ગુજરાતને પણ લાભ મળી રહ્યો છે. નાણાંકિય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમદાવાદમાં એર પેસેન્જર્સનું પ્રમાણ 194 ટકા જેટલું થયું હતું. અમદાવાદમાં 21.2 લાખ પેસેન્જરો કે જેમાં આંતરરાષ્ટ્રિય અને સ્થાનિક પેસેન્જરોનો સમાવેશ થાય છે. આ પેસેન્જરોએ એપ્રિલથી જૂન દરમ્યાન શહેરોના એરપોર્ટસને ધમધમતું રાખ્યું હતું. 
 
અમદાવાદની હોટલોમાં કોર્પોરેટ પ્રવૃત્તિઓ અને લગ્નની આગામી મોસમના કારણે હોટલ ઓક્યુપન્સી અને એવરેજ ડેઈલી રેટસ (એડીઆર) માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હોટેલિયર્સના જણાવ્યા પ્રમાણે એડીઆર રૂમ  દીઠ રાત્રિ રોકાણના દર રૂ.2900થી વધીને ગયા એપ્રિલ અને મે દરમ્યાન રૂમ દીઠ રાત્રિ રોકાણના રૂ.5500 જોવા મળ્યા હતા. ઓક્યુપન્સીનું સ્તર પણ આ હોટલોમાં 75 ટકા જેટલું વધ્યુ હતું.
 
ગુજરાતના મોટા અને ધમધમતા ટુરિઝમ બજારને માંણવાનો માર્ગ મોકળો કરવા માટે સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો નેટવર્કમાં સમાવેશ પામતા ટીટીએફ અમદાવાદનો દિવાળી અને શિયાળુ વેકેશન પૂર્વે પ્રારંભ થઈ રહ્યો છે.
 
આ શોમાં ગોવા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ પાર્ટનર સ્ટેટ તરીકે સામેલ થઈ રહ્યા છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તામિલ નાડુ, તેલંગણા, આંદામાન-નિકોબાર ટાપુઓ અને ત્રિપુરા ફીચર સ્ટેટ તરીકે સામેલ થઈ રહ્યા છે. યજમાન રાજ્ય તરીકે ગુજરાત પણ પોતાના પ્રવાસન આકર્ષણો રજૂ કરીને આ શોને સહયોગ પૂરો પાડી રહ્યું છે. સમગ્ર દેશમાંથી અને ઘણાં રાજ્યોમાંથી ખાનગી ક્ષેત્રના પાર્ટિસિપેન્ટસ પણ આ શોમાં સામેલ થઈ રહ્યા છે.