ઈરાની સૈન્યે જણાવ્યું, 'ભૂલથી તોડી પાડ્યું હતું યુક્રેનનું વિમાન'

plane
Last Modified શનિવાર, 11 જાન્યુઆરી 2020 (12:06 IST)

ઈરાનની સરકારી ટીવીના રિપોર્ટ અનુસાર સૈન્યે શનિવારે કહ્યું કે 'ભૂલ'થી યુક્રેનનું પ્રવાસીવિમાન તેણે તોડી પાડ્યું હતું. આ વિમાનમાં 176 લોકો સવાર હતા. ઈરાન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં આને 'માનવીય ભૂલ' ગણાવાઈ છે.
બૉઇંગ 737 ફ્લાઇટ યુક્રેનિયન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સની હતી. ઉડાણ ભર્યાના થોડા સમયમાં જ તેને તહેરાનની બહારના વિસ્તારમાં તોડી પડાઈ હતી.

ઈરાને અમેરિકન સૈન્યનાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો. એના થોડા કલાકો બાદ આ વિમાનને તોડી પડાયું હતું.

આ પહેલાં ઈરાન આ વાતનો ઇન્કાર કરી રહ્યું હતું કે તેણે વિમાન તોડી પાડ્યું છે.

અમેરિકા અને કૅનેડાએ પોતાની ગુપ્ત સૂચનાના આધારે જણાવ્યું હતું કે ઈરાને વિમાન તોડી પાડ્યું છે. આ વિમાન યુક્રેનની રાજધાની કીવ જઈ રહ્યું હતું.
વિમાનમાં 167 મુસાફરો અને ચાલકદળના નવ સભ્યો સવાર હતા.

ફ્લાઇટમાં ઈરાનના 82, કૅનેડાના 13 અને યુક્રેનના 11 નાગરિકો પણ સવાર હતા.

ઈરાને જણાવ્યું છે કે વિમાને પ્રત્યાશિત રીતે સંવેદનશીલ સૈન્ય ઠેકાણાં તરફ ટર્ન લીધો હતો. આ પહેલાં ઈરાને વિમાનની દૂર્ઘટના માટે તકનીકી ખામીને જવાબદાર ઠેરવી હતી.

ઈરાની સૈન્યે પોતાના નિવેદનમાં જણાવ્યું, "વિમાન રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કોરના બેઝની નજીક આવી ગયું હતું. આ સ્થિતિમાં માનવીય ભૂલ થઈ અને વિમાનને તોડી પડાયું."
ઈરાન પર વિમાન તોડી પાડવાની જવાબદારી લેવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું હતું.

અમેરિકા અને તેના સહયોગી દેશોએ કહેવાનું શરૂ કરી દીધું હતું કે ગુપ્ત સૂચના મળી છે કે વિમાન મિસાઇલ હુમલાનો શિકાર બન્યું છે.

શંકા એટલે પણ વધી ગઈ હતી કે ઈરાને થોડા સમય પહેલાં જ અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કર્યો હતો.


આ પણ વાંચો :