મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 એપ્રિલ 2018 (14:31 IST)

દક્ષિણ આફ્રિકામાં વેતનના મામલે થયેલા હિંસક પ્રદર્શનથી હજારો ગુજરાતીઓનો સંપર્ક તૂટ્યો

લોકોમાં વિદેશ જઇને વસવાટ કરવાની એક ઘેલછા હોય છે. ૫રંતુ આ ઘેલછા ઘણી વખત મોંઘી ૫ડે છે. ખાસ કરીને આફ્રિકા જેવા દેશોમાં છાશવારે ગુજરાતી અને ભારતીય ૫રિવારો સ્થાનિક પ્રજાનો ભોગ બનતા આવ્યા છે. આવી રીતે જ હાલ દક્ષિણ આફ્રિકામાં સરકારે વેતનને લગતા નવા કાયદાઓની જાહેરાતના પરિણામે ત્યાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી યોજાતા દેખાવો અને પ્રદર્શનોમાંથી કેટલાંક પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ત્યાં વસેલા ગુજરાતીઓ સંપર્ક વિહોણા બન્યા છે તેમજ ત્યાં સ્થાયી થયેલા ગુજરાતીઓને સંપત્તિને પણ નુકસાન થયું છે.

 હાલ અણંદ, ખેડા, ભરૂચ અને નવસારી જિલ્લાના ૩૫૦૦થી પણ વધુ યુવાનો રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકામાં છે, જેમાંથી કેટલાંક યુવાનો પરિવાર સાથે પણ ત્યાં ગયા છે.. જ્હોનિસબર્ગ, ડર્બન અને કેપ ટાઉન એ આ યુવાનોના રહેઠાણની મુખ્ય જગ્યા છે. સરકાર સામે ત્યાં યોજાયેલા મોટા પ્રદર્શન પછી ફાટી નીકળેલા તોફાનોના કારણે આ લોકો તેમના ઘર છોડી સલામત સ્થળોએ આશ્રય લેતા તેમાથી મોટાભાગના લોકો હાલ સંપર્કવિહોણા છે. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોન્સાએ નેશનલ મિનિમમ વેજની જાહેરાત કરતા ત્યાંના કામદાર યુનિયનો હાલ હિંસક દેખાવો કરી રહ્યા છે.

આ નેશનલ મિનિમમ વેજ પ્રમાણે ત્યાના કોઈપણ કામદારને એક કલાકના ઓછોમાં ઓછાં ૨૦ રેન્ડ(૧૦૮ રૂપિયા) મળવા જોઈએ. જો કે ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે મજૂરી કરતા કામદારને પણ આટલું વળતર ન પોષાય, આ મિનિમમ વેજ દ્વારા સરકાર ઉદ્યોગપતિઓને ઓછું વેતન આપવાનો પરવાનો આપી રહી છે. ભરૂચના બે પરિવારનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે તેમના આફ્રિકાસ્થિત પરિવારજનોનો હાલ કોઈ સંપર્ક નથી. અન્ય એક પરિવારનો તેમના આફ્રિકા સ્થિત પરિવાર સાથે સંપર્ક થયો છે. તેમનું કહેવું છે કે જ્હોનિસબર્ગ અને આસપાસના વિસ્તારોમાં માં ગુજરાતીઓની માલિકીના ૧૫૦૦થી પણ વધુ રિટેઈલ શોપ, પેટ્રોલપંપ અને વાઈન શોપ આવેલા છે. આ તમામ જગ્યાઓ પર પ્રદર્શનકારોએ તોડફોટ, ચોરી અને લૂંટ કરી છે.
ચોરી અને લૂંટફાટનો ભોગ બનેલા ગુજરાતીઓ અને અન્ય ભારતીયો હાલ કોઈ ધાર્મિક સ્થળ, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને અન્ય સરકારી કચેરીઓમાં આશ્રય લઈ રહ્યા છે. હાલ આ પરિવારો રાજ્ય સરકાર અને વિદેશ મંત્રાલયને મધ્યસ્થી કરવા માટે સંપર્ક કરી રહ્યા છે. આવક અને સંપત્તિની અસમાનતાની બાબતના ટોંચના દેશો પૈકી એક દક્ષિણ આફ્રિકા હોવાથી આ પ્રકારના પ્રદર્શનો સમયે રંગભેગના પરિણામે દેખાવકારો ભારતીયોને નિશાન બનાવે છે અને ત્યાં ગુજરાતીઓનું પ્રમાણ વધુ હોવાથી ગુજરાતીઓને આ નુકસાન વેઠવું પડે છે.
દક્ષિણ આફ્રિકા સહિતના આફ્રિકન દેશોમાં પેઢીઓથી વસેલા ગુજરાતીઓ હાલ ત્યાં માલેતુજાર થયા છે તે વાત જગજાણીતી છે. આ ઉદ્યોગપતિઓ તેમની કંપનીઓ કે મોલમાં રોકડની લેવડદેવડ તેમજ મહત્વની ગતિવિધિઓ સાથે જોડાયેલી નોકરીઓમાં અહીંથી રોજગારી અર્થે હિજરત કરતા ગુજરાતી યુવાનોને જ પસંદગી આપે છે. પરિણામે આ પ્રકારના યુવાનો પાસે સારી એવી રોકડ અથવા કંપની અંગેના નિર્ણયોની સત્તા હોય છે. તેથી કંપનીઓ કે સ્ટોરમાં ચોરી કે લૂંટફાટ સમયે ગુજરાતીઓને ઇજા કે નુકસાન થાય તેવું વધુ બને છે.