Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2012 (10:28 IST)
લોકાયુક્ત મુદ્દે મોદીને રાહત
P.R
રાજ્યપાલ દ્વારા લોકાયુકત તરીકે નિવૃત્ત જસ્ટીસ આર.એ.મહેતાની કરાયેલી નિયુક્તીના મામલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનને પત્ર લખીને તેમજ તે પ્રસારમાધ્યમોમાં પ્રસિધ્ધ કરાવીને કોર્ટની અવમાનના કરી હોવાની ફરિયાદ કરતી રીટ ન્યાયમુર્તિ અકીલ કુરેશી અને ન્યાયમુર્તિ સોનિયાબહેન ગોકાણીએ ફગાવી દીધી હતી. કોર્ટે આ રીટ ફગાવી દેતા ચુકાદામાં ટાંક્યું હતુંકે આ મામલામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કોર્ટની અવમાનના કરવાનો કોઇ ઇરાદો હોવાનું જણાઇ આવતું નથી. હાઇકોર્ટના આ હુકમને કારણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાહત મળી છે.
આ કેસની વિગત એવી છેકે રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનોની સલાહ સિવાય જ લોકાયુકત તરીકે નિવૃત્ત જસ્ટીસ આર.એ. મહેતાની નિમણુંક કરી દીધી હતી. જે નિમણુંકને સરકારે હાઇકોર્ટ સમક્ષ પડકાર્યું હતું. બીજી તરફ રાજયપાલના આ પગલા સામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનને પત્ર પાઠવ્યો હતો. જેમાં રાજ્યપાલના આ નિર્ણયને રીકોલ 0કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.તેમજ રાજ્યપાલનું આ પગલું ગેરબંધારણીય હોવાનું જણાવવામાં આવ્યું હતું. 1લી સપ્ટેમ્બર 2011ના રોજ લખાયેલો આ પત્ર રાજયના માહિતીખાતા દ્વારા પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક માધ્યમોને મોકલી આપવામાં આવતા તે પત્રને જાહેર પ્રસિધ્ધી મળી હતી.
સરકારના આ પગલાને અરજદાર ભીખાભાઇ જેઠવા તેમજ અન્યો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યું હતું. જેમાં એવી રજુઆત કરવામાં આવી હતીકે જયારે એક તરફ સરકારે હાઇકોર્ટમાં લોકાયુક્તના મામલે રીટ કરી હોય ત્યારે તેઓ બીજા ફોરમ એટલે કે વડાપ્રધાનને પત્ર લખી તેમાં યોગ્ય કરવા રજુઆત કરી શકે નહી. એટલું જ નહી પણ જયારે હાઇકોર્ટમાં કેસ પડતર છે ત્યારે ન્યાયતંત્ર પર અસર કરવા માટે તેમણે આ પત્રને અખબારો સુધી પહોંચાડી દીધો હતો. જેને કારણે તે અખબારોમાં છપાયો હતો. અને ઇલેક્ટ્રોનિકસ માધ્યમોમાં પણ તે દર્શાવવામાં આવ્યું હતું. જેથી આ મામલે મુખ્યમંત્રી સામે કન્ટેમ્પ ઓફ કોર્ટ હેઠળ કાર્યવાહી થવી જોઇએ.
આ સામે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને મુખ્યસરકારી વકીલ પ્રકાશ જાની મારફત હાઇકોર્ટ સમક્ષ સરાકરે એફીડેવીટ કરી એવી રજુઆત કરી હતીકે આ કેસને કોઇ આધાર નથી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં હાઇકોર્ટની મેટર બાબતનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. તેમાં વડાપ્રધાનને હાઇકોર્ટના કેસ બાબતે કંઇ કરવા માટે વિનંતી પણ કરવામાં આવી ન હતી. તે પત્રમાં માત્ર રાજયપાલને રીકોલ (પરત બોલાવવા) માટે વિનંતી કરવામાં આવી હતી. અને તેમણે લોકાયુકત માટે બહાર પાડેલા વોરંટ બાબતે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી હતી. લોકાયુકતના નિયુકતીના મામલે અત્યાર સુધીમાં અનેક રાજકરણીઓ તેમજ અન્યોએ અનેક નિવેદનો કર્યા છે. તે બાબતે તેમના મંતવ્યો અલગ- અલગ અખબારોમાં છપાયા પણ છે. તેથી આ કિસ્સામાં કોઇ કન્ટેમ્પ્ટ થઇ નથી.
મુખ્યમંત્રીએ કે મુખ્યમંત્રીની ઓફિસ દ્વારા આ પત્રને પ્રસાર માધ્યમો સુધી પહોંચાડવા કોઇ સુચના કે આદેશ આપવામાં આવ્યો ન હતો. સામાન્ય રીતે મુખ્યમંત્રી દ્વારા જુદા-જુદા મહાનુંભાવોને લખાતા પત્રો રૂટીન પ્રમાણે માહિતી ખાતાને મોકલવામાં આવે છે. તે રીતે આ કિસ્સામાં પણ આ પત્ર માહિતી ખાતાને પહોંચાડવામાં આવ્યો હતો. અને તેમણે પણ સાહજીકતાથી તે પત્ર પ્રસારણ માધ્યમોને મોકલી આપ્યો હતો. એટલું જ નહી પણ હાઇકોર્ટમાં કરાયેલી રીટ અને મુખ્યમંત્રીના પત્રમાં વિષય વસ્તુ પણ અલગ-અલગ છે. તે પત્રની વિગતોને રીટ સાથે કોઇ લેવા દેવા નથી.
તમામ દલીલો ધ્યાને લઇ ન્યાયમુર્તિ અકીલ કુરેશી અને ન્યાયમુર્તિ સોનિયાબહેન ગોકાણીએ આજે આ કેસમાં ચુકાદો આપતા અરજદારોની રીટ ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતુંકે મુખ્યમંત્રી દ્વારા લખાયેલો પત્ર અને હાઇકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે કોઇ લીંક હોય તેવું જણાતું નથી. મુખ્યમંત્રી દ્વારા તેમની સુચનાથી આ પત્ર લીક કરવામાં આવ્યો હોય તે તે પ્રસારીત કરવામાં આવ્યો હોય તેવું રીટમાં જણાવવામાં આવ્યું નથી. સરકારે જે કહ્યું છેકે રૂટીન પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા મહાનુંભાવોને લખાતા પત્રો માહિતી ખાતાને મોકલવામાં આવે છે. જે તેને પ્રેસનોટ સ્વરૂપે માધ્યમો સુધી પહોંચાડે છે. તેમાં મુખ્યમંત્રી દ્વારા કોઇ દબાણ કર્યું હોય કે તે પ્રસિધ્ધ કરવા માટે સુચના કે આદેશ આપ્યો હોય તેમ જણાતું નથી.