સચિન કરતા પણ વધુ વિશ્વસનીય બ્રાંડ છે અન્ના
સમાજસેવક અન્ના હજારે ક્રિકેટર સચિન તેડુંલકર કરતાં વધુ વિશ્વસનીય છે. સૌથી વધુ વિશ્વસનીય વ્યક્તિઓની યાદીમાં અન્નાએ સચિન ઉપરાંત અમિતાભ બચ્ચન, આમીર ખાન અને સલમાનને પણ પાછળ મૂકી દીધા છે.ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી (ટીઆરએ) નામની સંસ્થાએ બ્રાન્ડ ટ્રસ્ટ રિસર્ચ નામનો આ સર્વે કર્યો છે. સર્વે અનુસાર વિશ્વસનીયતા મામલે સચિનને લિસ્ટમાં ર૩૪મું સ્થાન મળ્યું છે જ્યારે અન્ના હજારે સચિન કરતાં આગળ ૧૦૬મા સ્થાન પર છે. સલમાન ખાનને આ યાદીમાં ૩પપમું સ્થાન મળ્યું છે.દેશનાં ૧પ શહેરોમાં ર૦૧૧માં આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ ર૭૧૮ લોકોએ પોતાના ફીડબેક આપ્યા હતા. જેમાં લગભગ ૧૭૦૦૦ બ્રાન્ડ વિશે લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. નોકિયાને દેશની સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ ગણવામાં આવી છે અને ટાટા આ મામલે બીજા નંબરે છે. દેશની જાણીતી હસ્તીઓ અને અગ્રણી કંપનીઓ વિશે આ સર્વે અંતર્ગત લોકોના પ્રતિભાવ જાણવામાં આવ્યા હતા. અન્ય દિગ્ગજોમાં ટાટા જૂથના ચેરમેન રતન ટાટાને પ૮૩મું સ્થાન મળ્યું છે. વિજય માલ્યાને ૬૦૩મું અને કાર સ્ટાઇલિસ્ટ દિલીપ છાબડિયાને ૮૬૩મા સ્થાને જગ્યા મળી છે. રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી આ બધાંમાં સૌથી નીચે ૮૯૪મા સ્થાને રહ્યા.ટીઆરએના ચીફ કાર્યકારી અધિકારી એન.ચંદ્રમૌલીએ કહ્યું કે, આ તમામ પરિણામ એ પ્રશ્ન પર આધારિત છે કે કોઇ વ્યક્તિ દેશની જાણીતી બ્રાન્ડ કે વ્યક્તિઓમાં કોને વિશ્વસનીય માને છે?