1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , ગુરુવાર, 30 જૂન 2016 (11:30 IST)

ગુજરાતમાં વ્યાપમ કૌંભાડ કરતા મોટુ કૌભાડ

વર્ષ ૨૦૧૪ના ચકચારી તલાટી ભરતી કૌભાંડના મુખ્ય સુત્રધાર કલ્યાણસિંહ ચંપાવતે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કલ્યાણસિંહે દાવો કર્યો છે કે, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માણસો અને તત્કાલિન મુખ્યમંત્રીના સિક્યોરીટી ઈન્ચાર્જ તેમની પાસે પાર્ટી ફંડના નામે પૈસા લેવા આવ્યા હતા. કલ્યાણસિંહનો દાવો છે કે, રાજ્ય સરકારમાં વર્ષ ૨૦૦૧ બાદ  ૫૦ હજારથી વધુ ભરતીઓ ગેરકાયદેસર થઈ છે અને જેના માટે સીટ દીઠ ૧ લાખથી લઈને ૧૦ લાખ રુપિયા સુધીની રકમ ઉઘરાવવામાં આવી છે.

એટલુ જ નહીં કલ્યાણસિંહે તો ત્યાં સુધી કહ્યુ છે કે જો તપાસ થાય તો ગુજરાતમાં મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ કરતા પણ મોટુ કૌભાંડ સામે આવી શકે છે. કલ્યાણસિંહે દાવો કર્યો હતો કે, ૨૦૧૪માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માણસો મારી પાસે આવ્યા હતા અને તેમણે જણાવ્યુ હતું કે, પાર્ટી ફંડમાં પૈસા આપો એટલે તમારા ક્લાસીસના વિદ્યાર્થીઓ પાસ થઈ જશે. તેમણે વિદ્યાર્થીઓ ચોક્કસ જગ્યાએ પરીક્ષા દરમિયાન ભૂપેન્દ્રસિંહનો બી લખશે તો તે પાસ થઈ જશે તેવુ જણાવ્યુ હતું. ભૂપેન્દ્રસિંહના માણસો જ નહીં પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સિક્યોરીટી ઈન્ચાર્જ અશ્વિન પટેલે પણ તેમની પાસે પાર્ટી ફંડ માંગ્યુ હતું.

કલ્યાણસિંહે જણાવ્યુ હતું કે, હું છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ અને આરએસએસ સાથે કામ કરતો હતો. જોકે મારુ કદ વધતા અને સાબરકાંઠા લોકસભા બેઠકની ટીકીટ માંગવાના કારણે મને ફસાવવામાં આવ્યો છે.  કલ્યાણસિંહે જણાવ્યુ હતું કે, મારી સામે પોલીસ પાસે કોઈ જ પુરાવા નથી. ૧૬૪ લોકોના નિવેદન લેવાયા છે તે પણ ખોટા છે. તેમ છતા મને જેલમાં પુરી રાખવામાં આવ્યો હતો. સાથે જ ચંપાવતે ઉમેર્યુ હતું કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આનંદીબેન પટેલ તરફથી તેમના જીવને જોખમ છે અને મને કંઈપણ થશે તો તેની જવાબદારી આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રહેશે.