શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: વડોદરા, , મંગળવાર, 21 જૂન 2016 (12:01 IST)

ડો.જયેશ પટેલ પલાયન, ભાજપમાંથી સસ્પેન્ડ

વડોદરાના ચકચારી પારુલ ઈન્સ્ટીટ્યુટ રેપ કેસને લઈ દિવસેને દિવસે વિવાદ વધુ વકરી રહ્યો છે. આ મામલે આજે સ્થાનિકો દ્વારા વાઘોડીયામાં સજ્જડ બંધ પાડીને વિરોધ દર્શાવાયા હતો. તો બીજીબાજુ આ કેસમાં પોલીસે ૩ યુવતિઓના નિવેદન પણ લીધા હતા. ત્યારે આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યુ છે. કોંગ્રેસના મહિલા ધારાસભ્ય તેજશ્રીબેને મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પત્ર લખીને દોષિત જયેશ પટેલ સામે  કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમણે લખેલા પત્રમાં આ ઘટનાને ગુજરાતના શિક્ષણ ઈતિહાસમાં સૌથી કલંકરુપ ઘટના ગણાવી છે અને આરોપીની સત્વરે ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

બીજીબાજુ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ આ કેસમાં આરોપી જયેશ પટેલ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.  તેમજ પાટીદાર સમાજ દ્વારા પણ જયેશ પટેલના પુતળાનુ દહન કરીને વિરોધ નોંધાવાયો હતો. જોકે, આ તમામ પ્રયત્નો અને દાવા-આક્ષેપો વચ્ચે હજી સુધી જયેશ પટેલ પોલીસની પકડથી બહાર છે. જયેશ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ યુનિવર્સિટીના સંચાલક પદેથી પણ તેમણે રાજીનામુ આપી દીધું છે. જોકે તેમ છતા હજી સુધી તેમની ધરપકડ ન થતા પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન વાઘોડીયા પોલીસ જયેશ પટેલની ધરપકડ કરવા માટે પુરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યુ છે.