શંકરસિંહ વાઘેલા અને એક આઇએએસ અધિકારીની પણ સંડોવણી

sankar singh vaghela
ગાંધીનગરઃ| Last Modified ગુરુવાર, 18 જૂન 2015 (16:42 IST)


(એનટીસી)ની જમીનના રૂપિયા ૧૭૦૦ કરોડના કૌભાંડમાં તત્કાલિન કેન્દ્રીય કાપડ પ્રધાન અને હાલ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને પૂછપરછ માટે બોલાવવામાં આવશે તેવું તપાસ એજન્સી સીબીઆઇના ઉચ્ચસ્તરીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત ગુજરાતના એક આઇએએસ અધિકારીને પણ આ જમીન કૌભાંડના છાંટા ઊડે તેવી શક્યતા સેવાઇ રહી છે. શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં કાપડપ્રધાન હતા ત્યારે ગુજરાતના આ અધિકારી તેમની સાથે ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વે‌િસ્ટગેશન (સીબીઆઇ)ના ‌અધિકારીઓએ બુધવારે વહેલી સવારથી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર નજીકના નિવાસસ્થાને દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એનટીસીના આ જમીન કૌભાંડમાં શંકરસિંહ વાઘેલા સહિત કુલ ૬ લોકો સામે એફઆઇઆર નોંધવામાં
આવી છે.

વાઘેલાના નિવાસસ્થાને સીબીઆઇના દરોડાની કાર્યવાહી થઇ ત્યારબાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે હવે આ કૌભાંડમાં ગુજરાત કેડરના એક આઇએએસ અધિકારી પર પણ છાંટા ઊડશે. ગુજરાત કેડરના આ અધિકારી એ વખતે ડેપ્યુટેશન પર હતા. આ કૌભાંડમાં તેમનો કોઇ રોલ છે કે નહીં તે અંગેની ચર્ચા પણ જોર પકડી રહી છે.


તપાસ એજન્સી સીબીઆઇએ આ અધિકારીનું સ્ટેટમેન્ટ લઇને કેસ કર્યો છે કે પછી હવે તેમનું નિવેદન લેવાશે તે અંગે પણ જાત જાતની અટકળો ચાલી રહી છે. શંકરસિંહના નિવાસસ્થાન સહિત ૯ સ્થળોએ સીબીઆઇના દરોડાની કાર્યવાહી બાદ મોડી રાતથી એવી અફવાએ જોર પકડ્યું છે કે ગુજરાત કેડરના એક અધિકારીનું નિવેદન લઇને સીબીઆઇ આ કેસમાં મજબૂત પણે આગળ વધી રહી છે. શંકરસિંહ વાઘેલા કાપડપ્રધાન હતા ત્યારે આ અધિકારી તેમની સાથે ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. દરોડાની કાર્યવાહી બાદ આ અધિકારીનું નામ પણ ઊછળી રહ્યું છે.

એક એવી અફવાએ પણ જોર પકડ્યું છે કે, આ અધિકારીનું નિવેદન લીધા પછી જ કેસ મજબૂત બન્યો છે અને છ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. ત્યારબાદ સીબીઆઇએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાક વિશ્વસનીય વર્તુળોનાં જણાવ્યા અનુસાર આ અધિકારીનું નિવેદન લેવાયું નથી અને સીબીઆઇ ટૂંક સમયમાં આ અધિકારીનું નિવેદન લેશે. શંકરસિંહ બાદ આ અધિકારી સામે પણ કાર્યવાહી થશે કે કેમ તે અંગે પણ અટકળો ચાલી રહી છે. તપાસ એજન્સી સીબીઆઇના અધિકારીઓ આ અંગે કંઇ પણ બોલવા તૈયાર નથી.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર હવે માત્ર યોગ્ય સમયની રાહ જોવાઇ રહી છે. સીબીઆઇના ટોચનાં સૂત્રોનો દાવો છે કે, એનટીસી જમીન કૌભાંડમાં શંકરસિંહને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. નવ સ્થળોએ દરોડા પાડ્યા બાદ સીબીઆઇ દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે અને તેના આધારે કેસ કેટલો મજબૂત છે તે જાણ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પણ વાંચો :