બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 29 નવેમ્બર 2016 (14:07 IST)

અંબાજી મંદિર કેશલેસ બન્યું, વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં આજથી કેશલેસ સુવિધાનો પ્રારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરાવ્યો હતો. નોટબંધીના કારણે દાન,ચડાવો કે પ્રસાદ માટે રોકડ ચૂકવણીથી મુંઝાતા ભકતો માટે હવે ક્રેડિટ ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચૂકવવાની સુવિધા આજથી શરૂ કરાઇ છે.આગામી માસના અંત સુધીમાં રાજ્યભરનાં સુપ્રસિદ્ધ મંદિર દ્વારકા, સોમનાથ, નાગેશ્વર, બહુચરાજી, ચોટીલા, આશાપુરા, ભદ્રકાળી વગેરે મંદિરમાં ઇ વોલેટ ઉપરાંત ડેબિટ ક્રેડિટ કાર્ડ દ્વારા દાન, ચડાવો કે પ્રસાદની કેશલેસ ચૂકવણી શરૂ કરી દેવાશે. નોટબંધીની જાહેરાત બાદ છેલ્લા ર૦ દિવસથી મંદિરની દાનપેટીમાં નાણાંનો પ્રવાહ ઘટયો છે. મંદિરનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ મંદિરને જે દાન મળી રહ્યું હતું કે પ્રસાદનંુ વેચાણ થતું હતું તેમાં ૩૦ ટકાથી પણ વધુનો ઘટાડો થયો છે જેને કારણે ભકતોને પૂજા માટે, દાન માટે કે ચડાવા માટે પ્લાસ્ટિક મનીથી ચૂકવણી કરી શકે તેવી વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરાઇ છે. અમદાવાદ સહિતના પ્રસિદ્ધ મંદિરોનાં પરિસરમાં એટીએમ મશીન તો મુકાશે જ, પરંતુ એ વ્યવસ્થા ગોઠવાય તે પહેલાં ઇ વોલેટ અને ડેબિટ ક્રેડિટ કાર્ડથી ભકતો ચૂકવણી કરી શકે તે માટે કેશલેસ સુવિધા ઊભી કરાઇ રહી છે. અંબાજી ખાતે પોતાના પરિવાર સાથે મા અંબાનાં દર્શન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યાં હતાં. મંગળા આરતીનો લાભ લીધા બાદ તેમણે મંદિરના શિખર પર ધ્વજા પણ ચઢાવી હતી અને નોટબંધીને લઇને અંબાજીમાં ડોનેશન અને પ્રસાદ માટે કેશલેસ સુવિધા અર્થે સ્વાઇપ મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું.