રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2016 (15:01 IST)

ઈબીસી અંગે હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમનો સ્ટે, 29મીએ વધુ સુનાવણી હાથ ધરાશે

ગુજરાત સરકારે સરકારી નોકરીઓ તેમજ શિક્ષણમાં આર્થિક પછાત સવર્ણોને આપેલા 10 ટકા અનામતને રદ્દ કરવાના હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમે સ્ટે આપ્યો છે.  સુપ્રીમે એવો આદેશ કર્યો છે કે, આ અંગે આગામી સપ્તાહે વધુ સુનાવણી હાથ ન ધરાય ત્યાં સુધી ઈબીસી ક્વોટા હેઠળ કોઈ એડમિશન ન આપવા. સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી માટે 29મી ઓગસ્ટની તારીખ મુકરર કરી છે.

 પાટીદાર આંદોલનને શાંત કરવા માટે ગુજરાત સરકારે આર્થિક અનામતની જાહેરાત કરી હતી. જેમાં અનામતનો લાભ ન મેળવી શકતા આર્થિક પછાત સવર્ણોને  'ઈબીસી' હેઠળ 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્યની કોલેજોમાં ઈબીસી ક્વોટા હેઠળ એડમિશન પણ ચાલુ થઈ ગયા હતા. જોકે, હાઈકોર્ટે ઈબીસીને રદ્દ કરતાં તેના હેઠળ થયેલા તમામ એડમિશન પણ રદ્દ કરી નવેસરથી પ્રવેશ પ્રક્રિયા કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. હાઈકોર્ટે આપેલા ચુકાદા સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. 

આર્થિક રીતે નબળાં વર્ગો માટે કલમ 6 હેઠળ જોગવાઇ કરેલા માપદંડો પૂરો કરતી બિન અનામત વર્ગની વ્યક્તિઓથી બનતા સમાજના એવા તમામ વર્ગોને આવરી લેવાયા હતા. બિન અનામત વર્ગમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના અનામત વર્ગોની અંદર ન આવતી તમામ વ્યક્તિઓનો સમાવેશ થતો હતો.