મની લોન્ડરિંગના કેસમાં પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માના 8 ઓગસ્ટ સુધીના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યાં
મની લોન્ડરિંગના કેસમાં પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ શનિવાર મોડી રાતે ધરપકડ કરી હતી. પ્રદીપ શર્માની સઘન પૂછપરછ બાદ તેમને ઈડીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરીને તેમના 14 દિવસના રીમાન્ડની માગ કરી હતી. કોર્ટે પ્રદીપ શર્માને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાના હૂકમ સાથે રીમાન્ડની વધુ સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે 8 ઓગસ્ટ સુધીના રીમાન્ડ મંજૂર કર્યાં છે.
સ્પેશ્યિલ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટે પ્રદીપ શર્માને આગોતરા જામીન આપ્યા ન હતા, જેથી ઈડીએ પ્રદીપ શર્માની ઘરપકડ કરી હતી. ઈડીએ 14 દિવસના રીમાન્ડની માગ કરીને કોર્ટને કહ્યું હતું કે પ્રદીપ શર્માએ તેમના પત્ની અને પરિવારના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. ઈડીએ જાહેર કરેલ નોટમાં જણાવ્યા અનુસાર ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ લોન્ડરિંગ એક્ટ 2002 નાણા નિવારણ કેસ શર્મા સામે નોંધવામાં આવ્યા હતા.
જેમાં તેમની પર તેઓ ભૂજ કલેકટર હતા, ત્યારે તેમણે તેમની સત્તાનો દૂરઉપયોગ કરીને અને નીચા દરે જમીન ફાળવવામાં આવી હોવાનો આક્ષેપ છે. જેના કારણે સરકારને 1.20 કરોડનું નુકશાન થયું હતું. જે જમીન વેલસ્પન કંપનીને ફાળવવામાં આવી હતી. તપાસ દરમિયાન એવી પણ વિગતો બહાર આવી છે કે શર્માએ હવાલા મારફતે યુએઈ સહિતના દેશોમાં નાણા ટ્રાન્સફર કર્યા છે. જે પછી ઈડીએ તપાસ શરૂ કરી હતી.